Gujarat Congress: એક તરફ, યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણ સામે મોરચો માંડ્યો છે. તો બીજી તરફ, તેમણે કાર્યકારી અધ્યક્ષ નહીં બનાવવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જ મેદાને પડ્યાં છે. આ આંતરિક વિખવાદ એટલી હદે વક્યો છે કે, એક હોદ્દાની ભાંજગડમાં પ્રદેશ કોંગ્રેસના માળખાની રચના અટકી પડી છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલાં જ ભરતસિંહ સોલંકીનો ચંચુપાત
હાઈકમાન્ડે ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યાં છે. જેના ભાગરુપે લંગડા ઘોડાઓને પક્ષમાંથી હાંકી કાઢવાને બદલે સાઇડ લાઇન કરી દેવાની નીતિ અપનાવાઈ છે. જગદીશ ઠાકોર, સિધ્ધાર્થ પટેલ જેવા નેતાઓએ તો સ્વેચ્છાએ જ માર્ગદર્શક મંડળમાં સ્થાન મેળવી લીઘુ છે. જો કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પોતાના મળતિયાઓને ટિકિટ અપાવવા માટે ભરતસિંહ સોલંકીએ અત્યારથી ચંચુપાત શરૂ કર્યો છે.
પ્રદેશ સંગઠનમાં પણ મળતિયાઓને ગોઠવવા હવાતિયા મારી રહ્યાં છે. પણ પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ પ્રસંસા કરતાં કોંગ્રેસ હાઇકમાન્ડે ભરતસિંહ સોલંકીથી ભારોભાર નારાજ છે. આ તરફ, કોગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને છૂટો દોર આપ્યો છે. તેમણે મેવાણી ઉપરાંત લાલજી દેસાઇ, ગેનીબેન ઠાકોર, પાલ આંબલિયા, અનંત પટેલ, કિરીટ પટેલ, વિમલ ચુડાસમા સહિત અન્ય આક્રમક નેતાઓને ટીમમાં સામેલ કર્યાં છે. આ ઉપરાંત આક્રોશ રેલીને વ્યાપક જનસમર્થન સાંપડી રહ્યુ છે જે લંગડા ઘાડા નેતાઓને પસંદ નથી.
હવે તેજતર્રાર યુવા નેતા મેવાણીને કાર્યકારી અઘ્યક્ષ બનાવવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશના બે જૂથો આમને સામને આવ્યાં છે. વિરોધી જૂથ તો પ્રદેશ કોંગ્રેસના માળખામાં કાર્યકારી અઘ્યક્ષનો હોદ્દો જ ન હોવો જોઇએ તેવી રજૂઆત કરી રહ્યુ છે. જિજ્ઞેશ મેવાણીને જ કટ ટુ સાઇઝ કરવા એક જૂથ સક્રિય થયુ છે, ત્યારે આખોય મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ફરી જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે.


