HCના આદેશ બાદ દુષ્કર્મનો ફરાર આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી પોલીસ સમક્ષ હાજર, બે મોબાઇલ કરાયા જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime: જામનગરમાં એક યુવતી સાથે ફાર્મ હાઉસમાં કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજારવાના અને બ્લેકમેલ કરવાના કેસમાં ફરાર ઉદ્યોગપતિ વિશાલ મોદી આખરે કાયદાના શરણે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ આરોપી ઉદ્યોગપતિ સિક્કા પોલીસ મથકમાં હાજર થયા હતા, જ્યાં પોલીસે તેમના બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ BREAKING: LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે
લોનના બહાને લઈ જઈ દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, જામનગરના અંબર સિનેમા વિસ્તારમાં રહેતી એક યુવતીને લોન મેળવવાના બહાને ખંભાળિયા હાઈવે રોડ પર આવેલા 'ભગવતી વિલા' નામના ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવી હતી. યુવતીને નશાકારક પ્રવાહી પીવડાવી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આરોપીએ યુવતીનો વીડિયો ક્લિપ બનાવી લીધા બાદ તેને બ્લેકમેલ પણ કરી હતી. આ ચકચારી પ્રકરણમાં સિક્કા પોલીસ ઉદ્યોગપતિ વિશાલ મોદીની શોધ કરી રહી હતી.
હાઇકોર્ટના આદેશ બાદ હાજરી, ફોન એનાલિસિસ માટે મોકલાયા
ધરપકડથી બચવા માટે આરોપી ઉદ્યોગપતિ વિશાલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરી હતી. અદાલતે આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન આરોપીને આગામી 10મી ડિસેમ્બરે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ અનુસાર, આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી સિક્કા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે તેમનું નિવેદન નોંધ્યા બાદ તેમના અલગ અલગ બે મોબાઈલ ફોન કબ્જે કરી લીધા છે.
પોલીસે કબ્જે કરેલા બંને ફોનને એનાલિસિસ માટે લેબોરેટરી ખાતે મોકલી દીધા છે. પોલીસ દ્વારા તેની તમામ કૉલ ડિટેલ સહિતની માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બનાવના સ્થળના પંચનામા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.









