Gujarat

સુરત પાલિકાના ફાયરના વાહનો સામે જ આડેધડ પાર્કિંગ, આગ બુઝાવવા માટે અન્ય જગ્યાએથી વાહનો મોકલવા પડ્યા

By GS TEAM
2 Mar 20262 mins read
TukuTouch Logo
પાલિકાની મુખ્ય કચેરી બાજુમાં આવેલી મસ્જિદ-દરગાહમાં નમાજ માટે આવેલા લોકોએ આડેધડ વાહનો પાર્ક કરી દેતા ફાયરના કોલ સમયે ફાયર ફાઈટર બહાર ન નીકળી શક્યા

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના ફાયરના વાહનો સામે જ આડેધડ પાર્કિંગ, આગ બુઝાવવા માટે અન્ય જગ્યાએથી વાહનો મોકલવા પડ્યા

Surat Fire Brigade : હાલ ચાલી રહેલા રમઝાન મહિનાની ઉજવણીના ઉત્સાહના અતિરેકમાં કેટલાક લોકોએ પાલિકાની ઈમરજન્સી સેવા સામે જ અડચણ ઉભી કરી દીધી હતી. પાલિકા કચેરી બાજુમાં મસ્જીદના વહેલી સવારે નમાજ માટે આવેલા કેટલાક લોકોએ આડેધડ ફાયરની ગાડીની સામે જ વાહનો પાર્ક કરી દીધા હતા. આ સમયે જ કતારગામ વિસ્તારમાં આગ નો કોલ આવ્યો હતો પરંતુ આડેધડ પાર્કિંગને કારણે ફાયરના વાહનો બહાર ન જઈ શકતા અન્ય જગ્યાએથી ગાડી મોકલવાની ફરજ પડી હતી. આવી સ્થિતિ ન થાય તે માટે આયોજન કરવા સાથે આડેધડ વાહનો પાર્ક કરનારા સામે પગલાં ભરવા માંગણી થઈ રહી છે.

હાલ ચાલી રહેલા રમઝાન મહિનામાં રાજ માર્ગ પર અવરોધ ઉભો કરવા સાથે થતા દબાણની ફરિયાદનો નિકાલ આવ્યો નથી. ત્યાં સુરત શહેર માટે અતિ સંવેદનશીલ ગણાતા ફાયર વિભાગની કામગીરી સામે કેટલાક તત્વોએ અડચણ ઉભી કરી હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. સુરત પાલિકાની મુખ્ય કચેરી મુઘલસરાઈની કચેરીને લાગુ જ એક મસ્જિદ (દરગાહ) આવે છે. ત્યાં આજે સવારે પાંચ વાગ્યે નમાઝ માટે અનેક લોકો આવી ગયા હતા. અહીં આવેલા લોકોએ પાલિકાના ફાયર વાહનોની સામે જ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા. 

દરમિયાન આજે વહેલી સવારે કતારગામ વિસ્તારમાં એક જગ્યાએ આગનો કોલ આવ્યો હતો અને મુગલીસરાથી આ વિસ્તાર નજીક હોવાથી ફાયરના જવાનો તાત્કાલિક વાહનો પર પહોંચ્યા ત્યારે વાહનોની આસપાસ બધે જ ટુ-વ્હીલરનો જમેલો હતો. જેના કારણે આ જગ્યાએથી ફાયરના વાહનો બહાર નિકળી શક્યા ન હતા અને અન્ય જગ્યાએથી વાહન મોકલી આગ પર કાબૂ મેળવવો પડ્યો હતો. સદ્દનસીબે આગ નાની હતી જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ કોઈ મોટી ઘટના હોય અને આવી સ્થિતિ ઉભી થાય તો આગ વધુ પ્રસરી શકે અને કોઈનો જીવ પણ જઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

હાલ રમઝાન માસ ઉપરાંત શુક્રવારે પણ આવી સ્થિતિનું નિર્માણ થાય છે અને આ જગ્યા સિવાય અન્ય જગ્યાએ રોડ પર પણ વાહનો પાર્ક કરી દેવામા આવે છે તેથી ટ્રાફિક સમસ્યા થવા સાથે ફાયરના સાધનો જઈ ન શકે તેવી સ્થિતિ ઉભી થાય છે. તેથી હાલ તો મુગલીસરાઈ ખાતે ફાયર વિભાગના અધિકારીએ અગ્રણીઓ સાથે બેઠક કરીને આવી સ્થિતિ ફરી ન થાય તે માટે સુચના આપી હતી.