ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા

Indigo Flights Cancelled : ગુજરાતભરના એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની સેવા સતત ચોથા દિવસે ખોરવાતા હજારો મુસાફરો અટવાયા છે. સ્ટાફની અછતને કારણ આગળ ધરીને ઈન્ડિગો દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતથી ઓપરેટ થતી અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા મુસાફરોની ધીરજ ખૂટી ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પર રોષે ભરાયેલા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો અને ‘ઈન્ડિગો ચોર હૈ, મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઈન્સ દ્વારા તેમને સમયસર યોગ્ય માહિતી આપવામાં આવી નથી.
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટમાં ખૂબ મોટા પ્રમાણમાં ડીલે અને કેન્સેલેશન થઈ રહ્યું છે. આજે 5 ડિસેમ્બરનાં રોજ, બપોરે 4 વાગ્યા સુધી કુલ 86 નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ રદ્દ થયેલી ફ્લાઇટ્સમાં 50 ડિપાર્ચર એટલે કે અમદાવાદથી જતી અને 36 અરાઈવલ એટલે કે અમદાવાદ આવતી ફ્લાઇટનો સમાવેશ થાય છે. રાત્રે 12:01 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં આ તમામ ઉડાનો રદ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
છેલ્લા 4 દિવસથી ઈન્ડિગો એરલાઈન્સમાં ચાલી રહેલી કટોકટીના કારણે સમગ્ર રાજ્યનું વિમાન વ્યવહારનું શેડ્યુલ વેરવિખેર થઈ ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર 12-12 કલાકથી ફ્લાઈટની રાહ જોઈને બેઠેલા મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ કે ડિલે થયાના સમાચાર મળતા સ્થિતિ તંગ બની હતી. ખાસ કરીને વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી ચાર મુખ્ય ફ્લાઈટ રદ કરાતા મુસાફરો રઝળી પડ્યા હતા.
સૌરાષ્ટ્રના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ સ્થિતિ અત્યંત ખરાબ છે. અહીંથી ઈન્ડિગોની કુલ 8 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં મુંબઈની 3, દિલ્હીની 2 તથા હૈદરાબાદ, બેંગ્લોર અને ગોવાની 1-1 ફ્લાઈટનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરતમાં પણ સવારે હૈદરાબાદથી આવતી ફ્લાઈટ રદ કરાઈ હતી અને એકને ડાઈવર્ટ કરવી પડી હતી. તો બીજી તરફ સુરત એરપોર્ટ પર બપોર બાદ બેંગ્લોર, જયપુર, ગોવા અને કોલકતાથી આવતી ફ્લાઈટનું કોઈ ઠેકાણું ન હોવાથી, રિટર્ન ફ્લાઈટના શેડ્યુલ પણ ખોરવાયા છે.
અમદાવાદ એરપોર્ટ પર રદ થયેલી ફ્લાઈટ્સની યાદી:
અમદાવાદથી ઉપડતી અનેક મહત્વની ફ્લાઈટ્સ રદ થવાને કારણે બિઝનેસ ટ્રાવેલર્સ અને પ્રવાસીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. રદ થયેલી ફ્લાઈટ્સ આ મુજબ છે.
દિલ્હી (DEL): ફ્લાઈટ નં. 5293, 6694 અને 6189
શ્રીનગર (SXR): ફ્લાઈટ નં. 6265 અને 6266
ગોવા (GOI): ફ્લાઈટ નં. 281
મુંબઈ (BOM): ફ્લાઈટ નં. 802
પુણે (PNQ): ફ્લાઈટ નં. 819
અમદાવાદ એરપોર્ટ પર કલાકો સુધી મોડી પડેલી (ડિલે) ફ્લાઈટ્સ:
રદ થયેલી ફ્લાઈટ્સ ઉપરાંત, અનેક ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી હતી, જેમાં આ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
ઇન્દોર (IDR): 391
દુબઈ (DXB): 015
બેંગ્લોર (BLR): 823
પુરણિયા, બિહાર (PXN): 619
લંડન (LGW): 160
અબુધાબી (AUH): 244
મુંબઈ (BOM): 6477, 5251, 5189
ગોવા (GOI): 6419
હૈદરાબાદ (HYD): 883
પુણે (PNQ): 547
આમ, સ્ટાફની અછતને કારણે સર્જાયેલી આ અવ્યવસ્થા ક્યારે થાળે પડશે તે અંગે એરલાઈન્સ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

