વડોદરાથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટના 160 મુસાફરો કલાકો સુધી અટવાયા
વડોદરા,તા.2.જૂન,2019,રવિવાર
વડોદરાથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે આ ફ્લાઈટ ચાર કલાક મોડી ઉપડી હતી.જેના કારણે સેંકડો મુસાફરોને આકરી ગરમીમાં હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે વડોદરાથી બપોરે ૧૨-૪૫ વાગ્યે મુંબઈ જતી ફ્લાઈટમાં આજે લગભગ ૧૬૦ મુસાફરો બેસી ગયા હતા અને ફ્લાઈટ ટેક ઓફ માટે તૈયાર પણ હતી.જોકે છેલ્લી ઘડીએ એન્જિનમાં સર્જાયેલી ખરાબીના કારણે ફ્લાઈટ ઉપડવામાં વિલંબ થશે તેવી જાહેરાત કરાઈ હતી.ટેકનિકલ ખામીને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા તે દરમિયાન મુસાફરોને ફ્લાઈટની અંદર જ બેસાડી રાખ્યા હતા.
બે કલાક સુધી આ જ પરિસ્થિતિ રહેતા ગરમીની વચ્ચે મુસાફરોએ રોષ ઠાલવવાનુ શરુ કર્યુ હતુ.ટેકનિકલ ખામી વહેલી તકે દુર નહી થાય તેમ લાગતા આખરે મુસાફરોને પ્લેનમાંથી ઉતારીને એરપોર્ટ ટર્મિનલ પર પાછા લાવવામાં આવ્યા હતા.
એ બાદ ઈન્ડિગોની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટનુ સાંજે ૪-૩૫ વાગ્યે લેન્ડિંગ થયુ હતુ.સામાન્ય રીતે આ ફ્લાઈટ વડોદરાથી દિલ્હી પાછી જતી હોય છે પણ ચાર કલાકથી અટવાયેલા મુસાફરોને મુંબઈ પહોંચાડવા માટે આ ફ્લાઈટને મુંબઈ મોકલવામાં આવી હતી.આમ ચાર કલાક બાદ મુંબઈ જતી ફ્લાઈટ વડોદરા એરપોર્ટ પરથી ઉપડી હતી.