દેશની સૌપ્રથમ રેલ યુનિવર્સિટી વાઘોડિયામા બનશે: 31 હેક્ટર જમીન ફાળવાઇ
- રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય
ગાંધીનગર, તા. 21 ઓગસ્ટ 2019, બુધવાર
તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દેશની પ્રથમ રેલ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો હતો તે માટે રાજ્ય સરકારે આજે વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે 31 હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્વના નિર્ણયની વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં નિર્માણ થનાર આ પ્રથમ રેલ યુનિવર્સિટી માટે જે 31 હેક્ટર જમીન ફાળવાઇ છે તે બજાર કિંમતના 50% ભાવે ફાળવાશે, આ યુનિવર્સિટી આવનાર સમયમાં રેલ નેટવર્ક સહિત રેલ તથા ટ્રાન્સપોર્ટેશન સેક્ટરના અભ્યાસક્રમો અને તાલીમ માટે મહત્વની બની રહેશે, જેનો સ્થાનિક કક્ષાએ લોકોને વધુ લાભ મળશે.
પટેલે ઉમેર્યુ કે, વાઘોડિયા ખાતે નિર્માણ થનાર આ રેલ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ ભવનો-કોલેજોનું નિર્માણ કરાશે. રેલ કર્મીઓને આધુનિક તાલીમ મળે તે માટે તાલીમ સેન્ટરનું પણ નિર્માણ કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું નિર્માણ કરાશે.