'ઈસ્ટ ઓર વેસ્ટ, ગણપતિ ઈઝ બેસ્ટ': ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ગુંજ્યો 'ગણપતિ બાપ્પા મોરિયા'નો નાદ
Ganeshotsav 2025 : ઉત્સવ પ્રિય સુરતીઓ ગણેશોત્સવની ધામધુમથી ઉજવણી કરે છે. તેની સાથે સાથે મુળ સુરતના પણ નોકરી-ધંધા કે અભ્યાસ માટે વિદેશમાં સ્થાયી થયેલા સુરતીઓ પણ વિદેશમાં ગણેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્યાં છે. જેના કારણે સુરતમાં જ નહીં પરંતુ વિદેશમાં ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજી રહ્યો છે.
સુરતીઓ દરેક ઉત્સવની ઉજવણી અગ્રેસર રહે છે પરંતુ નોકરી ધંધા અર્થે અનેક સુરતીઓ-દક્ષિણ ગુજરાતના વતની વિદેશમાં વસી રહ્યા છે પરંતુ ઉત્સવની ઉજવણી કરવાની પ્રથા તેઓ હજી પણ ભુલ્યો નથી. કોઈ પણ તહેવાર આવે તો તેઓ પ્યોર સુરતી બનીને તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. બાળ ગંગાધર ટીળકે આઝાદી માટે ભારતીયને ભેગા કરવા માટે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરી શરૂ કરી હતી. હવે વિદેશમાં રહેતા ભારતીયો આ ઉત્સવથી વિદેશની ધરતી પર ભેગા મળી રહ્યા છે.
કેનેડામાં અભ્યાસ અને જોબ માટે ટોરેન્ટોમાં સુરતના યંગસ્ટર્સનું એક ગ્રુપ છેલ્લા સાતેક વર્ષથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરે છે. આ ગ્રુપ દર વર્ષે જુદી જુદી થીમ પર શ્રીજીની સ્થાપના કરે છે. આ વર્ષે ભારતમાં ઓપરેશન સિંદુર થીમ અનેક ગણેશ મંડપમાં જોવા મળી રહ્યુ છે. યુવાનો દ્વારા ઓપરેશન સિંદુરની થીમ પર કેનેડાના ટોરેન્ટો માં ગણપતિની સ્થાપના કરવામા આવી છે. ભારતીય સેનાએ કરેલા પરાક્રમ જોઈને અમે ઓપરેશન સિંદુર થીમ પર ગણેશજીની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો.
પરિવાર વિના વિદેશમાં અભ્યાસ કે જોબ માટે ગયા હતા ત્યારે સૌથી મોટી મુશ્કેલી ભોજનની પડે છે. સવાર સાંજ નું ખાવાનું એક સાથે બનાવવા ઉપરાંત ફ્રોઝન ફુડનો ઉપયોગ પણ આ યુવાનો કરે છે. પરંતુ દસ દિવસ ગણેશજીની સ્થાપના કરે છે ત્યારે કેનેડાના આ યુવાનો સવાર સાંજ તાજુ ભોજન બનાવી દાદાને થાળ ધરાવે છે અને એક દિવસ છપ્પન ભોગ પણ કરે છે. કેનેડામાં રહેતા રવિ કડીવાલા અને ભૌમિક, સ્વપ્નીલ, મિનલ પ્રજાપતિ, અંકિત પટેલ સહિતના પાંચેય યુવાનો જોબ કરે છે. જોબ માંથી સમય કાઢીને સવાર સાંજ ભગવાનને મિષ્ઠાન સાથે તાજુ ભોજન બનાવી થાળ ધરાવવામાં આવે છે
બિલ્લીમોરાનો મહેતા પરિવાર કેનેડાના સ્ટોફવિલેમાં પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે
મૂળ બિલ્લીમોરાના રાજીવ મહેતા અને તેમનો પરિવાર હાલ કેનેડાના સ્ટોફવિલેમાં છેલ્લા 23 વર્ષથી રહે છે. પરંતુ તેઓ ભારતીય પરંપરા અને તહેવાર ભારે શ્રધ્ધાથી ઉજવી રહ્યાં છે. તેમના સંતાન શિવ અને રિયાનો જન્મ પણ ન્યુઝીલેન્ડમાં થયો છે છતાં તેઓ તેમના સંતાનોને સનાતન ધર્મના સંસ્કાર આપ્યા છે અને તેઓ પણ ગણેશોત્સવની ઉજવણી કરે છે. તેમના પત્ની હિરલ મહેતા કહે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ઘરે ગણપતિજીની સ્થાપના કરી હતી અને આસપાસના લોકો પણ તેમાં ભાગીદાર બને છે અને દર્શન-પુજા માટે આવે છે.
પટેલ પરિવારના સંતાન અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા છે તેઓ પણ ગણેશોત્સવમાં જોડાયા
સુરતમાં રહેતા સંજય પટેલના સંતાન પર્લ અને શ્યામ પટેલ સ્ટડી માટે ઓસ્ટ્રેલિયા ગયા છે અને તેમના ભાઈની સાથે બ્રિસ્ટનમાં રહે છે. કેયુર પટેલ અને પ્રિયંકા પટેલને ત્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. પહેલા દિવસે બુક વાંચીને ગણેશજીની સ્થાપના કરી હતી અને વિસર્જનના દિવસે બ્રાહ્મણ વિધિ કરાવવા આવશે. આ પરિવાર સાથે હાલ સ્ટડી માટે ગયેલા સુરતના સ્ટુડન્ટે પણ ભાગ લીધો હતો અને તેઓને સુરતના ગણેશોત્સવની યાદ આવી ગઈ હતી.
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ગુજરાતી ભેગા મળી ગણેશોત્સવની ઉજવણી કરે છે
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં અનેક ગુજરાતીઓ વસવાટ કરે છે જ્યારે તહેવાર હોય ત્યારે તેઓ ભેગા મળીને તહેવારની ઉજવણી કરે છે. નિકી પટેલ અને હર્ષ પટેલના ઘરે આ વર્ષે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં આવેલા ઈન્ડીયન સ્ટોરમાંથી બાપાની ઇકોફ્રેન્ડલી પ્રતિમા લઈ આવ્યા હતા અને અન્ય ગુજરાતી પરિવારો ભેગા મળીને બાપાની પૂજા અર્ચના કરી હતી. અહીં દરિયા કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી તેઓ પોતાના ઘરે જ વિસર્જન કરશે અને જે માટી આવશે તે દર્શન માટે આવતા ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. આ માટી કુંડામાં કે છોડમાં ઉપયોગ કરી શકાશે.
આમ જ્યાં જ્યાં ગુજરાતી કે સુરતીઓ વસવાટ કરે છે તેવા દેશોમાં ગણેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે. અને કારણે વિદેશમાં રહેતા ભારતીયો હવે માટે આ તહેવાર પરંપરાગત ઉજવણી ગણેશજીની પૂજા ઉપરાંત ગેટ ટુ ગેધરનો તહેવાર બની રહ્યો છે.