પાકિસ્તાનની જેલોમાં કેદ ભારતીય માછીમારો ગંભીર બીમારીમાં સપડાયા
- પાકિસ્તાનમાંથી છૂટી વેરાવળ પહોંચેલા માછીમારોએ ખૂલાસો કર્યો
- વેરાવળ પરત આવેલા માછીમારોની IB સહિતની એજન્સીઓએ પૂછપરછ કરી
પાકિસ્તાનની જેલમાં હજુ 580 માછીમારો કેદ : 4 વર્ષ પછી વતન પહોંચેલા 20 માછીમારો પરિવારનાં સભ્યોને મળ્યા
રાજકોટ,વેરાવળ, : પાકિસ્તાનની જેલમાં ચારેક વર્ષ સુધી યાતના ભોગવ્યા બાદ આજે સવારે વતન પહોંચેલા ર૦ માછીમારો જયારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે તેઓ હર્ષનાં આંસુ રોકી શકયા ન હતા. વેરાવળ ફિશરીઝ કચેરી પાસે જ પરિવારજનોને આ માછીમારો મળ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વેરાવળ પરત આવેલા આ માછીમારોએ એવો ખૂલાસો કર્યો હતો કે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારો ગંભીર બિમારીથી પીડાઈ રહયા છે ભારત સરકાર તેમને વહેલી તકે છોડાવે તેવી માગણી કરી હતી.
૬૦૦ જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમાંથી પાકિસ્તાને ચારેક વર્ષ બાદ માત્ર ર૦ માછીમારને મુકત કર્યા છે. હજુ પ૮૦ ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે અને ૧૧પ૦ બોટ પાકિસ્તાનનાં કબ્જામાં છે. સોમવારે રાતે આ માછીમારોને વાઘા બોર્ડર પર પાકિસ્તાની એજન્સીઓએ બીએસએફ ને સોંપ્યા હતા. અમૃતસરથી ગઈકાલે રાત્રે ટ્રેન દ્રારા વડોદરા રેલવે સ્ટેશને પહોંચ્યા બાદ માછીમારોને બસમાં વેરાવળ લાવવામાં આવ્યા હતા. આજે સવારે માછીમારોની વેરાવળ નજીકનાં જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં સેન્ટ્રલ આઈબી સહિતની એજન્સીઓએ પૂછપરછ કરી હતી ત્યાર બાદ તેઓ પરિવારજનોને મળ્યા હતા. ફિશરીઝ વિભાગનાં અધિકારીઓએ જરૂરી સરકારી કાર્યવાહી પુરી કરી માછીમારોને તેમના પરિવારજનોને સોંપ્યા હતા.
ચારેક વર્ષ બાદ માછીમારો વતન પહોંચતા પરિવારજનોમાં હર્ષનાં આંસુ છલકાયા હતા. કેટલાક માછીમારોતો ચોધાર આંસુએ રડી પડયા હતા. રવિ ગોવિંદ નામના એક માછીમારે જણાંવ્યુ હતું કે પાકિસ્તાનની જેલમાં હજુ ઘણાં ભારતીય માછીમારો કેદ છે તે ગંભીર બીમારીમાં સબડી રહયા છે. કોરોના કાળમાં રસીના ડોઝ અપાયા હતા આમ છતાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. દરમિયાન નવાબંદરનાં બાબુ કરશન નામના માછીમારને નામમાં ગોટાળો થતા વધુ સમય જેલમાં રહેવુ પડયુ હતુ તેના બદલે અન્ય માછીમારને છોડી દેવામાં આવ્યો હતો.
માછીમારોનાં પરિવારજનોએ જણાંવ્યુ હતું કે બોટમાં ૮ થી ૧ર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે અને માછીમારો પકડાય પછી બોટ માલિકો જવાબ આપતા નથી. ગરીબીનાં કારણે મજબુરીથી કોઈ કામ ન મળતા ફરી દરિયામાં જવુ પડે છે. પાકિસ્તાની એજન્સીઓ આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોને ઉઠાવી જતા હોવાની ઘટનાઓ હજુ અટકી નથી.