23 મિનિટમાં ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો
'યે તો ટ્રેલર હૈ, પિક્ચર અભી ભી બાકી હૈ' : સંરક્ષણ મંત્રી
'ઓપરેશન સિંદૂર' બદલ વાયુસેનાના યોધ્ધાઓને અભિનંદન પાઠવ્યા
ભુજ: દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભુજની મુલાકાત દરમિયાન એરફોર્સ સ્ટેશનની મુલાકાત લઈ ઓપરેશન સિંદુરની સફળતા બદલ વાયુ સેનાના યોધ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા. સંરક્ષણમંત્રીએ ઓપરેશન સિંદૂરને ટાંકીને કહ્યું હતું કે, 'યે તો ટ્રેલર હૈ, પિક્ચર અભી ભી બાકી હૈ' ભારતીય વાયુ સેના માટે પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને કચડી નાખવા માટે માત્ર ૨૩ મિનિટ પુરતી હતી. લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, એટલામાં વાયુ સેનાએ દુશ્મનોનો નાશ કરી દીધો. સંરક્ષણ મંત્રીએ ગત રોજ શ્રીનગરમાં જવાનોને મળ્યા બાદ આજે દેશના પશ્ચિમ ભાગના વાયુ સેના અને અન્ય સુરક્ષા કર્મચારીઓને મળીને અભિનંદન પાઠવ્યા હતા. ઓપરેશન સિંદૂર ની માત્ર દેશમાં જ નહીં, બીજા દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, આપણી એરફોર્સ એક એવી 'સ્કાય ફોર્સ' છે જેણે પોતાની બહાદુરી, હિંમત અને ગૌરવથી આકાશની નવી ઉંચાઈઓને આંબી છે. તેમણે ભુજ સ્મૃતિ વન મ્યુઝિયમની મુલાકાત લઈ ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને શ્રધ્ધાજંલિ અર્પિત કરી હતી.
ભુજ એરબેઝ ઉપર એરફોર્સ, બીએસએફ, આર્મીના અધિકારીઓ- જવાનો સાથે ચર્ચા કરી તેઓનો જુસ્સો વધારતો સંબોધન કર્યુંઃ સ્મૃતિ વન મ્યૂઝિયમની મુલાકાત લીધી
'બ્રહ્મોસ' મિસાઈલની તાકાતનો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમના દેશ વિદેશમાં વખાણ થઈ રહ્યા છે. ડીઆરડીઓ દ્વારા બનાવેલ આકાશ અન્ય રડાર સિસ્ટમે તેમાં મોટી ભુમિકા ભજવી છે તેમ વાયુ સેનાને સંબોધીને સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. પાકિસ્તાન સરકારે પોતાના નાગરિકો પાસેથી વસુલવામાં આવેલા ટેક્સના રૂપિયામાંથી ૧૪ કરોડ આતંકવાદી સંગઠનને આપવા ખર્ચ કરશે.
ભારતના રક્ષામંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે હોઈ આજરોજ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં એરફોર્સ, બીએસએફ, આર્મીના અધિકારીઓ- જવાનો સાથે ચર્ચા કરી જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું. રક્ષામંત્રીએ ઓપરેશન સિંદૂર બદલ તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
પાકિસ્તાની અંદર જઈને મિસાઈલો છોડી ભારતીય વાયુ સેનાએ અસરકારક ભુમિકા ભજવી છે. ભારતના લડાકુ વિમાનો સરહદ પાર કરી પાકિસ્તાનના દરેક ખુણા પર જઈને પ્રહાર કરવા સક્ષમ છે. આખી દુનિયાએ જોયુ કે, ભારતીય વાયુ સેનાએ ૯ આંતકવાદી ઠેકાણાનો નાશ કર્યો. હવે ભારત આયાતી શસ્ત્રો પર નિર્ભર નથી. ભારતમાં બનેલા શસ્ત્રોએ પણ આપણી શક્તિમાં વધારો કર્યો છે.
રાજનાથસિંહે કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈ માત્ર સુરક્ષાનો મુદો નથી રહ્યો, પરંતુ એ રાષ્ટ્રીય સંરક્ષણનો એક ભાગ બની ગયો છે. આપણે તેને જડમૂડથી ઉખેડી નાખશું.
કચ્છની મુલાકાતે આવેલા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિ વન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંતગોને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી. ભારતના સંરક્ષણ મંત્રીએ જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પતિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી.
સ્મૃતિ વનની મુલાકાત બાદ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે,સ્મૃતિ વન મ્યુઝિયમ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયા માટે ગૌરવ બન્યું છે.