Gujarat

સોફટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલદી હાર્ડવેરની પણ નિકાસ કરશે

By GS TEAM
1 Aug 20251 min read
સોફટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલદી હાર્ડવેરની પણ નિકાસ કરશે

વડોદરાઃ સોફટવેરની નિકાસમાં તો ભારત આગળ છે જ અને અમેરિકા જેવો દેશ પણ સોફટવેર માટે ભારત પર નિર્ભર છે ત્યારે બહુ જલ્દી કોમ્પ્યુટર હાર્ડવેરની પણ ભારતમાંથી નિકાસ થશે તેમ ભારતના સુપર કોમ્પ્યુટર પરમ...ના જનક તરીકે જાણીતા અને એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી ડો.વિજય ભાટકરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.

ટેકનોલોજી ફેકલ્ટીની ૧૯૬૮ની બેચના વિદ્યાર્થી ડો.ભાટકરે આજે ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે પણ સંવાદ કર્યો હતો.તેમણે એ પહેલા એક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાર્ડવેરમાં ભારત પાછળ હતું પરંતુ હવે ભારત તેમાં પણ દુનિયા સાથે કદમ મિલાવવાની શરુઆત કરી ચૂકયું છે.હાર્ડવેર ઉત્પાદન માટે ભારતમાં પ્લાન્ટસ સ્થપાઈ રહ્યા છે.

પ્રો.ભાટકર હાલમાં નાલંદા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પણ છે.તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં આઈટી ટેકનોલોજીમાં ભારતમાં જન્મેલા અને અમેરિકામાં કામ કરતા ભારતીય સોફટવેર એન્જિનિયરોનો બહુ મોટો ફાળો રહ્યો છે.એઆઈના ક્ષેત્રમાં પણ ભારતીયો યોગદાન આપી રહ્યા છે.એઆઈની સાથે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં પણ ભવિષ્યમાં ભારતીય કોમ્પ્યુટર એન્જિનિયરોનું યોગદાન વધશે.તેમણે ભૂતકાળની યાદો તાજા કરતા કહ્યું હતું કે, હું જ્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે પહેલી વખત મેં એનેલોગ કોમ્પ્યુટર જોયું હતું.આજે દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે.