Ahmedabad Modi Stadium Traffic Rules: ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી20 મેચ 19/12/2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદમાં રમાશે. હાઇ-વોલ્ટેજ મેચને પગલે સ્ટેડિયમની આસપાસ ક્રિકેટ પ્રેમીઓનો ભારે ધસારો થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.
કયા રસ્તાઓ રહેશે બંધ?
- મેચ દરમિયાન ખેલાડીઓ, VVIP મહેમાનો અને જનતાની સુરક્ષાના ભાગરૂપે નીચે મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે
- જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમનો મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી સુધીનો માર્ગ.
- કૃપા રેસિડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીનો અવર-જવરનો માર્ગ બંધ રહેશે.
નોંધ: આ પ્રતિબંધિત માર્ગો પર માત્ર મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો અને ઇમરજન્સી સેવાઓ (એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ) જ અવર-જવર કરી શકશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા
ટ્રાફિક જામની સ્થિતિથી બચવા માટે પોલીસે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે:
1. તપોવન સર્કલથી: ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
2. કોટેશ્વર તરફથી: કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
કોને મળશે મુક્તિ?
સ્થાનિક રહીશોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ છૂટછાટ આપવામાં આવી છે. ફરજ પરના સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહીશો જરૂરી પુરાવા બતાવીને આ વિસ્તારમાં અવર-જવર કરી શકશે.
આ પણ વાંચો: IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર
ક્રિકેટ પ્રેમીઓ માટે સૂચના
મેચ જોવા આવતાં હજારો દર્શકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક પોલીસના નિયમોનું પાલન કરે અને શક્ય હોય તો જાહેર પરિવહનનો ઉપયોગ કરે જેથી સ્ટેડિયમની આસપાસ વાહનોનું ભારણ ઘટાડી શકાય. માર્ગ અકસ્માતો નિવારવા અને સુરક્ષા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડેપગે તૈનાત રહેશે.


