Get The App

ભારત–ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ વડોદરાથી શરૂ, સાથે WPL મેચોનું પણ આયોજન

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
ભારત–ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ વડોદરાથી શરૂ, સાથે WPL મેચોનું પણ આયોજન 1 - image

Vadodara : ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે અને પાંચ ટી-ટ્વેન્ટી મેચોની સિરીઝ રમવા માટે ભારત આવી રહી છે. ફેબ્રુઆરી 2026માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ પૂર્વે આ ટી-ટ્વેન્ટી સિરીઝ બંને ટીમો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલી વનડે મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં અને ત્રીજી તથા અંતિમ વનડે 18 જાન્યુઆરીએ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે યોજાશે. ત્રણેય મેચ ડે-નાઈટ રહેશે. ટોસ બપોરે 1:00 વાગ્યે અને મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

7 તારીખે ટીમો વડોદરા આવી પહોંચશે અને પ્રેક્ટિસ શરૂ કરશે, ફેન્સમાં ઉત્સાહ

આગામી તા. 7 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો વડોદરા આવી પહોંચશે. ભારતીય ટીમ હયાત હોટલમાં અને ન્યૂઝીલેન્ડની ટીમ વેલકમ હોટલમાં રોકાણ કરશે. બંને ટીમો તા. 8 જાન્યુઆરીથી સવારે 10 વાગ્યા બાદ પ્રેક્ટિસ શરૂ કરશે. વનડે સિરીઝને લઈ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી મેદાનમાં ઉતરશે તે બાબતે ફેન્સ ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે વડોદરાએ છેલ્લી વખત ડિસેમ્બર 2010માં રિલાયન્સ સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કર્યું હતું, જેમાં ગૌતમ ગંભીરે શાનદાર સદી સાથે ‘પ્લેયર ઑફ ધ મેચ’નો ખિતાબ જીત્યો હતો અને વિરાટ કોહલીએ અણનમ 63 રન બનાવ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ બંને ટીમો વચ્ચેની આ પ્રથમ મુલાકાત રહેશે.

WPL 9 જાન્યુઆરીથી શરૂ, ફાઇનલ વડોદરામાં

આ ઉપરાંત મહિલા પ્રીમિયર લીગ (WPL)ની શરૂઆત તા. 9 જાન્યુઆરીથી થશે. ખાસ બાબત એ છે કે ફાઇનલ મેચ પહેલી વાર સપ્તાહના અંતે નહીં પરંતુ ગુરુવાર તા. 5 ફેબ્રુઆરીએ રમાશે. ટુર્નામેન્ટની શરૂઆતની 11 મેચ મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં અને ત્યારબાદની 11 મેચ વડોદરાના કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે યોજાશે. બીસીએ સ્ટેડિયમમાં પહેલી મેચ તા. 19 જાન્યુઆરીએ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. એલિમિનેટર તા. 3 ફેબ્રુઆરીએ અને ફાઇનલ તા. 5 ફેબ્રુઆરીએ પણ બીસીએ સ્ટેડિયમ ખાતે યોજાશે. લીગ દરમિયાન બે ડબલ-હેડર્સ મેચો શનિવારે રમાશે. તા. 10 જાન્યુઆરીએ યુપી વોરિયર્સ–ગુજરાત જાયન્ટ્સ તથા મુંબઈ ઇન્ડિયન્સ–દિલ્હી કેપિટલ્સ વચ્ચે અને તા. 17 જાન્યુઆરીએ યુપી વોરિયર્સ–મુંબઈ ઇન્ડિયન્સ તથા દિલ્હી કેપિટલ્સ–રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે.