Get The App

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટો શરૂ થતાની સાથે જ સોલ્ડ આઉટ, BCA સામે નારાજગી

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટો શરૂ થતાની સાથે જ સોલ્ડ આઉટ, BCA સામે નારાજગી 1 - image

Ind vs NZ  ODI tickets : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી આંતરરાષ્ટ્રીય વનડે મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થતાની સાથે જ તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હોવાની જાણ થતા ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરા નજીક આવેલા કોટંબી ગામ ખાતેના બીસીએ સ્ટેડિયમમાં આ મેચ રમાનારી છે. લાંબા સમય બાદ વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેન્સ ક્રિકેટ મેચ યોજાતી હોવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ હતો.

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટો શરૂ થતાની સાથે જ સોલ્ડ આઉટ, BCA સામે નારાજગી 2 - image

આજે 1 જાન્યુઆરીથી સવારે 11 વાગ્યે મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવી હતી. બુકિંગ શરૂ થતાં જ મોટી સંખ્યામાં દર્શકો વેબસાઈટ પર ટિકિટ મેળવવા માટે લૉગિન થયા હતા. જોકે માત્ર પાંચ મિનિટમાં જ એટલે કે 11:05 વાગ્યે તમામ ટિકિટો સોલ્ડ આઉટ દર્શાવાતા ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.

દર્શકોનું કહેવું છે કે, બુકિંગ શરૂ થતાં જ ટિકિટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એટલા ઓછા સમયગાળામાં તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ જવું અનેક શંકાઓ ઊભી કરે છે. આ મામલે બીસીએ મેનેજમેન્ટની વ્યવસ્થાપન પ્રક્રિયા અને પારદર્શકતા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

બીસીએના સભ્ય ડૉ. દર્શન બેન્કરે જણાવ્યું હતું કે, સ્ટેડિયમના બાંધકામ ખર્ચ, ચૂંટણી પ્રક્રિયા અને એજીએમમાં પારદર્શકતા ન રહી હોવાના અગાઉ પણ આક્ષેપો થયા છે. બીસીએ એક એનજીઓ છે જે સૌના સહકારથી ચાલવી જોઈએ, પરંતુ એક જ વ્યક્તિ દ્વારા સંચાલન થતાં આવા પરિણામો સામે આવી રહ્યા છે. આ સાથે જ અંદરો અંદર ટિકિટ વહેચણી થઈ હોવાની બૂમો પણ ઉઠી રહી છે, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં બીસીએ મેનેજમેન્ટ સામે વધુ નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે બીસીએના હોદ્દેદારોનો ટેલીફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો.