ભારતે મુખ્યમંત્રી સહિત 8 રાજકીય નેતાઓ હવાઈ અકસ્માતમાં ગુમાવ્યા

8 માસમાં 2 પ્લેન ક્રેશમાં ગુજરાત- મહારાષ્ટ્રે નેતા ગુમાવ્યા 1980માં સંજય ગાંધીનું અને ઈ. 2026થી 2026 સુધીમાં સિંધીયા, બાલયોગી, રાજશેખર રેડ્ડી, દોરજી ખાંડુ, વિજય રૂપાણી, પવારનાં નિધન
રાજકોટ, : આજે તા. 28-1-2026ના મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું અન્ય 5 સાથે બારામતી ખાતે વિમાન તુટી પડતા નિધન થતા શોકનું મોજુ પ્રસર્યું છે. દેશમાં આવી દરેક ઘટના પછી તપાસો થતી રહી છે, નવા નવા આદેશો જારી થાય છે પરંતુ, અકસ્માતો થંભતા નથી. કેન્દ્રમાં કે રાજ્યમાં રાષ્ટ્રમાં મુખ્યમંત્રી સહિતના મહત્વના સ્થાન પર બીરાજતા 8 અગ્રીમ હરોળના રાજકીય નેતાઓના વિમાન-હેલીકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા છે જેમાં 7 બનાવ તો એકવીસમી સદીમાં, અઢી દાયકાના છે.જ્યારે વિમાન વ્યવહારક્ષેત્રે અત્યંાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે અને તેમાં પણ વિજય રૂપાણી અને અજીત પવાર ગુમાવવા પડયા તે બન્ને અકસ્માતો તો માત્ર સાડાસાત મહિનામાં થયા છે. આ રાજકારણીઓ ઉપરાંત ઉદ્યોગ,ફિલ્મ, વિજ્ઞાાન સહિત ક્ષેત્રના અનેક આગેવાનોના મૃત્યુ પણ વિમાન અકસ્માતમાં થયા છે.
વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું તા. 23 જૂન 1980ના માત્ર 33 વર્ષની વયે તે પિટ્સ એસ-2A સ્ટન્ટ પ્લેન દિલ્હીમાં તુટી પડતા મૃત્યુ નીપજ્યું હતું.
ગત અઢી દાયકામાં (1) ઈ.સ. 2001માં વરિષ્ઠ કોંગ્રેસી નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધીયા ચાર્ટર્ડ વિમાન માં રેલીને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશના મેનપુરી નજીક તુટી પડતા નિધન થયું (2) લોકસભાના સૌથી યુવાન અધ્યક્ષ અને ટી.ડી.પી. નેતા જી.એમ.સી.બાલયોગીનું હેલીકોપ્ટર આંધ્રપ્રદેશમાં ઈ. 2002માં ગાઢ ધુમ્મસ વચ્ચે તળાવમાં તુટી પડતા અને (3) આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.ચંદ્રશેખર રેડ્ડીનું હેલીકોપ્ટર નલ્લામાલા જંગલમાં ખરાબ હવામાનના કારણે ઈ.સ. 2009માં ક્રેશ થતા સાઉથની આ બન્ને રાજકીય હસ્તીઓના નિધન થયા હતા. (4) અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુ ઈ.સ. 2011માં પવનહંસ હેલીકોપ્ટર ભારત-ચીન સરહદે પર્વતો વચ્ચે તુટી પડતા નિધન થયું હતું. (5) અગ્રીમ હરોળના ઉદ્યોગપતિ અને હરિયાણાના ઉર્જા મંત્રી ઓ.પી.જિંદાલનું ઈ.સ.2005માં હેલિકોપ્ટર ટેકનીકલ ક્ષતિથી ક્રેશ થતા નિધન થયું હતું.
આટલા બનાવો પછી પણ ગુજરાત-મહારાષ્ટ્રની બે રાજકીય હસ્તીઓ સહિત અનેક આશાભર્યા અગ્રણીઓ,નાગરિકોના બે વિમાન અકસ્માતમાં મૃત્યુ અટકાવી શકાયા નથી. ગત તા. 12 જૂન 2025ના એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ-171નું બોઈંગ અમદાવાદ એરપોર્ટથી ઉડયાન ભર્યાની અર્ધી મિનિટમાં બી.જે.મેડીકલ કોલેજના હોસ્ટેલ બ્લોક પર તુટી પડતા પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 229 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સના તેમજ જ્યાં પ્લેન પડયું ત્યાં 19 લોકોના કરૂણ મૃત્યુ અને આ ઘટનાને હજુ માંડ સાડાસાત મહિના વિત્યા છે ત્યાં મહારાષ્ટ્રમાં પ્લેનક્રેશની ઘટના બની છે.








