સુરેન્દ્રનગરમાં રાખડીઓના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો છતા ધૂમ ખરીદી
રાખડી ખરીદવા બજારમાં ભીડ જામી
બાળકોમાં કાર્ટૂન કેરેક્ટર વાળી અને મોટેરાઓમાં રૃદ્રાક્ષ અને રામ મંદિરની રાખડી ડિમાન્ડમાં
સુરેન્દ્રનગર - ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના ૫ર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઝાલાવાડની બજારોમાં રાખડીની ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા રાખડીના ભાવમાં ૨૦થી ૨૫ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. આ વર્ષો બાળકોમાં બાળકોમાં કાર્ટૂન કેરેક્ટર વાળી અને મોટેરાઓમાં રૃદ્રાક્ષ અને રામ મંદિરની રાખડી ડિમાન્ડમાં છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતની બજારો તેમજ તાલુકા વિસ્તારોની બજારોમાં રાખડીની દુકાનોમાં ઘરાકી જોવા મળી રહી છે. જેમાં શહેરી વિસ્તારોમાં આવેલી અંદાજે ૬૦થી વધુ નાની-મોટી દુકાનોમાં અને હંગામી સ્ટોરમાં દર વર્ષે અંદાજે ૨૦૦થી વધુ વેપારીઓ રક્ષાબંધન પર્વ પર રાખડીનો વેપાર કરે છે. ચાલુ વર્ષે રાખડીના ભાવમાં વધારો નોંધાયો છતાં પણ દુકાનોમાં બહેનોની રાખડીની ખરીદીમાં ભીડ જોવા મળતા વેપારીઓમાં એકંદરે આનંદની લાગણી જોવા મળી રહી છે.
ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પેકિંગ મટીરીયલ તેમજ ડેકોરેશનની આઈટમોમાં ભાવ વધતા એકંદરે રાખડીના ભાવમાં ૨૦થી ૨૫ ટકા વધારો નોંધાયો હતો. બજારમાં ચાલુ વર્ષે પેંડલ, રૃદ્રાક્ષ, બ્રેસલેટ, મ્યુઝીકવાળી રાખડી, લાઈટવાળી રાખડી તેમજ ભાઈ-ભાભી સેટ સહિતની રાખડીઓ ઉપરાંત નાના બાળકો માટે અવનવી વેરાઈટીઝમાં ટેડીબીયર, કાર્ટુન, મ્યુઝીક, વોટરપ્રુફ લાઈટીંગ તેમજ ટચ સ્ક્રીનવાળી રાખડીઓની વેરાયટીઓ ઉપલબ્ધ હતી અને તેની સારી ડિમાન્ડ જોવા મળી હતી.
જ્યારે મોટી ઉંમરના લોકો માટે સુખડ, રૃદ્રાક્ષ, ભગવાન ગણેશ, કાનુડો, બાલકૃષ્ણ, ત્રિશુલ, ઓમ, ડમરૃ જેવા સીમ્બોલ અને પ્રતિમાવાળી રાખડીઓની ખરીદીમાં પણ ભીડ રહી હતી. જ્યારે અયોધ્યા અને રામ મંદિરની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શહેરની બજારોમાં રૃા.૧૦ થી લઈ રૃા.૮૦૦ સુધીની રાખડીઓની અવનવી વેરાયટી જોવા મળે છે. વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે ૬ કરોડથી વધુનો રાખડીનો વેપાર થવાની શક્યાઓ સેવાઈ રહી છે. જ્યારે અંતિમ દિવસોમાં પણ સારી ઘરાકી રહેશે તેવી વેપારીઓમાં આશાઓ સેવાઈ રહી છે.