રૂ. 15,000ની લાંચ લેવાના કેસમાં ઇન્કમટેક્સ અધિકારીને 4 વર્ષની કેદ

2019ના કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટનો ચૂકાદો : આરોપીના અવાજ સાથેની CDના પૂરાવાના આધારે ACBના PI ફરિયાદી બન્યા હતા
રાજકોટ, : 2019ની સાલમાં રૂ. 15,000ની લાંચ લેવાના કેસમાં ઇન્કમટેક્સના અધિકારી મૌલેશ પ્રવીણચંદ્ર મહેતા (ઉ.વ. 63)ને એડીશનલ સેશન્સ જજ વી.કે. ભટ્ટે તકસીરવાન ઠરાવી 4 વર્ષની સખત કેદની સજા અને રૂ. 1 લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
અરજદાર અમીત જોશી સામે 2011- 2012 ના ઇન્કમટેક્સ રિટર્નમાં આરોપીએ ક્વેરી કાઢી હતી. જેથી અરજદાર પોતાના સીએ સાથે આરોપીને ત્રણ વખત મળ્યા હતા. જે દરમિયાન રૂ. 15,000ની લાંચ આપી હતી. એટલું જ નહીં અરજદારે આરોપી સાથેનો સમગ્ર વાર્તાલાપ પોતાના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો. જેની સીડી બનાવી એસીબીના નિયામકને મોકલી હતી.
એસીબીના નિયામકે આ અંગે રાજકોટ એસીબીને તપાસ કરવા કહ્યું હતું. તપાસ દરમિયાન પીઆઈ એમ.એમ. સરવૈયાએ અરજદાર અને તેના સીએના નિવેદનો લઇ આરોપી વિરૂધ્ધ જાતે ફરિયાદ આપી હતી. સીડીની ખરાઇ કરાવતા અને સીએનું નિવેદન લેવાતા લાંચની રકમ આરોપીએ સ્વીકાર્યાનું સાબિત થતું હતું.
જો કે ચાર્જશીટ બાદની કોર્ટની કાર્યવાહી દરમિયાન જુબાનીમાં અરજદાર અને તેના સીએ આરોપીને શક્ય હોય ત્યાં સુધી બચાવી શકાય તે પ્રકારની જુબાની આપતા હતા. જેની સામે આરોપી વિરૂધ્ધનો ઇલેક્ટ્રોનિક પૂરાવો સચોટ જણાતો હતો પરંતુ સાહેદોની જુબાનીમાં ઇરાદાપૂર્વકની વિસંગતતા રેકોર્ડ પર આવી હતી.
આ સ્થિતિમાં અદાલતે સીએને કોર્ટમાં રૂબરૂ હાજર રાખી આરોપીની હાજરીમાં સીડી પ્લે કરી તેમાં રેકોર્ડ થયેલ વાર્તાલાપના મોટાભાગના અંશો અંગે તેના અવાજ અને આરોપીના અવાજ અંગે પ્રશ્નોતરી કરી હતી. જેમાં સીએએ સીડીના દરેક વાક્યમાંનો અવાજ તેનો અને આરોપીનો હોવાનું ઓળખી બતાવ્યું હતું.








