Gujarat

વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન

By GS TEAM
3 Oct 20252 mins read
TukuTouch Logo
આવકવેરાના નવા કાયદા સહિતની જાણકારી આપતા સત્રો યોજાશે : નાગરિકો, વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો લાભ લઈ શકશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન

Vadodara : ભારતના આવકવેરા વિભાગ દ્વારા વડોદરામાં તા.6 થી 8 દરમિયાન ટેક્સપેયર્સ હબનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસનો આ કાર્યક્રમ નાગરિકો, વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓને માટે ઉપયોગી રહેશે. ટેક્સપેયર્સ હબનો મુખ્ય હેતુ આવકવેરા વિભાગના કરદાતા સાથેના મૈત્રીપૂર્ણ અભિગમ અંગે જાગૃતિ લાવવાનો અને આવનારી પેઢીને દેશના નિર્માણમાં ટેક્સની ભૂમિકા સમજવામાં મદદરૂપ થવાનો છે, તેમ આવકવેરા વિભાગનું કહેવું છે.

આ હબમાં આવનારા મુલાકાતીઓ નવો આવકવેરા કાયદો, આવકવેરા કાયદામાં સુધારા, ટીડીએસના નવા નિયમો, પ્રત્યક્ષ કરને લગતી બાબતો, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટેની જોગવાઈઓ, સહકારી સંસ્થાઓ વગેરે વિષય પર નિષ્ણાતો દ્વારા વિવિધ માહિતીસભર સત્રો યોજાશે. ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. ચર્ચા સત્ર દરમિયાન આવકવેરા અધિનિયમ 2025ને નજીકથી સમજવાની તક મળશે અને નવો કાયદો કરદાતાઓ માટે શું અર્થ ધરાવે છે તે અંગે પણ થનારી ચર્ચામાંથી જાણી શકાશે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ અને ચિત્રકલા સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત બાળકો માટે એક ખાસ ચિલ્ડ્રન કોર્નર સાથે વીઆર ઝોન પણ ઊભો કરાશે. આ કાર્યક્રમની આગેવાની ગુજરાત, અમદાવાદના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અને સુરતના ચીફ કમિશનર ઓફ ઇન્કમ-ટેક્સ, સાથે સાથે વરિષ્ઠ અધિકારીઓ લઈ રહ્યા છે. ટેક્સ પેયર્સ હબ “નવા ભારત માટે નવી કર સંસ્કૃતિ” બાંધવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે, તેમ આવકવેરા વિભાગનું માનવું છે. આ કાર્યક્રમ સેવાસી ભાયલી રોડ પર એફજીઆઇ સામે કબીરમાં યોજાશે. જે તમામ લોકો માટે નિશુલ્ક ખુલ્લો રહેશે.