કરદાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સર્ચ કરીને વેરાને લગતી માહિતી જ લેવામાં આવશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
આવકવેરા સુધારા ખરડા ૨૦૨૫માં ડિજિટલ મિડીયા એકાઉન્ટ અને સોશિયલ મિડીયા એકાઉન્ટમાંથી માત્ર વેરાને લગતી માહિતી જ એકત્રિત કરવામાં આવશે. અન્ય વિકતોની ધ્યાનમાં લેવામાં આવશે નહિ તેવી સ્પષ્ટતા સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલે કરી છે. આવકવેરા ધારા ૧૯૬૧નું સ્થાન લેવા માટે સંસદમાં રજૂ કરવામાં આવેલા આવકવેરા ધારા સુધારા ખરડા ૨૦૨૫મા ંકરદાતાઓના સોશિયલ મિડીયા એકાઉન્ટ અને ડિજિટલ એકાઉન્ટમાં ડોકિયું કરવાની આવકવેરા અધિકારીઓને સત્તા આપતી જોગવાઈ સામે દેશભરમાંથી વ્યાપક વિરોધ ઊઠયો છે. પરિણામે તેમણે પ્રસ્તુત સ્પષ્ટતા કરવી પડી છે.
કરદાતા સામેના પુરાવાની અખંડિતતા જાળવી રાખવા માટે ડિજિટલ મિડીયા કે પછી સોશિયલ મિડીયા પર મળતી સંપૂર્ણ માહિતી લઈને જાળવી રાખવામાં આવશે, પરંતુ તેમાંથી વેરાને લગતી ન હોય તેવી માહિતીને આવકવેરા ખાતાના રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. આમ અંગત કે વેરાને માટે ઉપયોગી ન હોય તેવો ડેટા કાઢી નાખવામાં આવશે.
તેનો અર્થ એ થયો કે વોટ્સ એપ કે ફેસબુક પરની પર્સનલ ચેટ કે પછી મેસેજની વિગતો તારવી લેવામાં આવશે. તેમાંથી વેરાને લગતી માહિતી રાખીને બાકીને બધી માહિતીને દૂર કરી દેવામાં આવશે.તેને તપાસના રેકોર્ડમાં સામેલ કરવામાં આવશે નહિ.
આવકવેરા અધિકારીઓ કોઈના સોશિયલ મિડીયા એકાઉન્ટમાં ડોકિયું કરશે તેવા ભયને નાબૂદ કરતાં રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે ડિજિટલ મિડીયામાંથી માત્ર ડિજિટલ વેરાને લગતા પુરાવાઓનો જ કરદાતા સામે ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી જોવાની કયા અધિકારીને સત્તા મળશે તે અંગે સ્પષ્ટતા કરવાની માગણી કરવામાં આવી છે. તેની સાથે જ આવશ્યક નાણાંકીય બાબતોને જ તેમાંથી ધ્યાનમા ંલેવાની રહેશે. તદુપરાંત કોઈના અંગત સંદેશાઓનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની માગણી કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં કરદાતાઓએ વ્યક્ત કરેલો ભય વાજબી હોવાનું જણાવતા રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે કરદાતાઓનો ભય સાચો જ છે. છતાંય તેમનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.









