સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગ ખાતે મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતીની ઘટના

સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક્સ ડિપાર્ટમેન્ટ ખાતે આજે વહેલી સવારે ફરજ બજાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડને બે અજાણ્યા શખ્સોએ અડપલા કરી બીભત્સ માંગણી કરી છેડતી મામલે ફરિયાદના આધારે રાવપુરા પોલીસે આરોપીને ઝડપી પાડી અન્ય ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની અછત વચ્ચે મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતીના બનાવથી સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે. ભોગ બનનાર વડોદરાના રહેવાસી 40 વર્ષીય વિધવા બહેન આજે તા.18 જુને વહેલી સવારે સાડા ચાર કલાકની આસપાસ સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર હતા. તે સમયે મોપેડ સવાર બે અજાણ્યા શખ્સો અચાનક તેમની પાસે આવ્યા હતા. અને મહિલા સિક્યુરિટી ગાર્ડના ખભે હાથ રાખી "દો હજાર દેતા હું" તેમ કહી સતામણી કરતા મહિલા ગાર્ડએ એક શખ્સને ઝડપી પાડતા અપશબ્દો કહી ધમકી આપી હતી. મહિલા સિક્યુરિટી ગાર્ડે બૂમાબૂમ કરતા આસપાસથી દોડી આવેલ સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા સંબંધીઓએ છેડતી કરનારને ઝડપી પાડી રાવપુરા પોલીસના હવાલે કર્યો હતો, જ્યારે તેની સાથે રહેલ અન્ય શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપી એજાજ આરીફખાન વ્હોરા (રહે- સૈયદપુરા ,નાગરવાડા) વિરુદ્ધ છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં ધકેલી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

સિક્યુરિટી ગાર્ડની અછત વચ્ચે ઘટના સ્થળે સીસીટીવી બંધ
મળતી માહિતી મુજબ, આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણએ જણાવ્યું હતું કે, કોઈપણ મહિલાની છેડતી ખૂબ ગંભીર બાબત , સયાજી હોસ્પિટલમાં સ્ટાફ તથા સિક્યુરિટી ગાર્ડની મહેકમની અછતની બાબત ધ્યાને છે. હાલ 112 સિક્યુરિટી ગાર્ડ છે .તેના નિરાકરણ માટે પ્રયાસ થઈ રહ્યા છે. તેમજ સયાજી હોસ્પિટલમાં કુલ 611 કેમેરા પૈકીના કેટલાક કેમેરા બંધ હાલતમાં હોવાથી સમારકામ ચાલી રહ્યું છે.









