યાત્રાધામ વડતાલથી નડિયાદની અપૂરતી બસ સુવિધાથી યાત્રિકોને હાલાકી
- ભરૂચથી વડતાલની ટ્રેન પણ બંધ
- એસટી નિગમ દ્વારા અગાઉ દોડતી નડિયાદ- કરમસદ બસને ફરી શરૂ કરવા મુસાફરોની માંગણી
વડતાલ ખાતે પ્રસિદ્ધ મંદિર હોવાથી રાજ્યના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવતા હોય છે. જેને ધ્યાનમાં લઇ ભરૂચથી વડતાલની ટ્રેન પણ દોડતી હતી પરંતુ કોરોના બાદ આ ટ્રેન બંધ કરવામાં આવી છે. ઉપરાંત વડતાલને જોડતી સંખ્યાબંધ એસટી બસો દોડતી હતી પરંતુ આ એસટી બસોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નડિયાદથી વડતાલની સીટી બસો દોડતી હતી આ સીટી બસો પણ બંધ કરવામાં આવી છે. જેથી સ્થાનિક મુસાફરો તેમજ દૂર દૂરથી આવતા યાત્રીકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વડતાલથી સવારે ૧૦.૨૦ કલાકની બોરસદ ડેપોની બસ ઉપડયા બાદ સીધી ૧૨.૨૦ કલાકે નડિયાદ જવા માટે બસ સુવિધા છે. ત્યારે અપડાઉન કરતા રોજિંદા મુસાફરોને પડતી મુશ્કેલી નિવારવા વડતાલથી નડિયાદની ૧૧.૧૫ કલાકની તેમજ અગાઉ દોડતી નડિયાદ કરમસદ બસને શરૂ કરવા રાજનગર નરસંડા વગેરે ગામોના મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી છે.