ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા

ડિજિટલ ક્રાંતિ તરફ હવે ગામડાઓની દોડ
હાલ ગ્રામ્ય પંથકમાં ભલે ૭૩.૨ ટકા લોકો રોકાણથી દૂર હોય કે ૫૫.૪ ટકા લોકોને નેટવર્કની સમસ્યા હોય પણ આવનારા સમયમાં આ આંકડા સુધારાની દિશા ચિંધે છે
આ સંશોધન દર્શાવે છે કે ભારતનાં ગામડાંઓ હવે બદલાઈ રહ્યા છે. યુવા પેઢી આ પરિવર્તનની મશાલ લઈને આગળ વધી રહી છે. સંશોધનના તારણો મુજબ, સૌથી વધુ ઉત્સાહ ૩૧-૪૦ વર્ષના યુવાનો (૪૬.૪%) અને ૨૧-૩૦ વર્ષના (૩૨.૧%) નવયુવાનોમાં જોવા મળ્યો છે. ગામડાઓમાં ૭૮.૬% પુરુષો અને ૨૧.૪% મહિલાઓ હવે પરંપરાગત પદ્ધતિ છોડીને ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરતા થયા છે, જે 'ડિજિટલ ઈન્ડિયા' મિશનની સફળતા દર્શાવે છે. દાડે દિવસે મોટાભાગના વ્યવહારો ઓનલાઇન પેમેન્ટથી થઇ રહ્યા છે ત્યારે
લોકોનો બેંકિંગ સિસ્ટમ પરનો ભરોસો પણ અકબંધ છે. ૮૯.૩% ગ્રામજનો બચત ખાતું (સેવિંગ એકાઉન્ટ) ધરાવે છે. જેમાં એસ.બી.આઈ (૪૬.૪%) અને આપણી સ્થાનિક ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક (૩૫.૭%) લોકોની પહેલી પસંદ બની છે. પેમેન્ટ માટે લોકો હવે રોકડને બદલે ગુગલ પે (૪૮.૨%) અને ફોન પે (૧૯.૬%) જેવા આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરતા શીખી ગયા છે.
આ સંશોધનમાં ભવિષ્યની તકો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. હાલમાં ભલે ૭૩.૨% લોકો રોકાણથી દૂર હોય કે ૫૫.૪% લોકોને નેટવર્કની સમસ્યા નડતી હોય, પરંતુ આ આંકડાઓ જ આવનારા સમયમાં સુધારા માટેની દિશા ચીંધે છે. આ સંશોધન નીતિ-નિર્માતાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પ્રકારનાં સંશોધનો ભવિષ્યમાં નાણાકીય સાક્ષરતા વધારવામાં અને ડિજિટલ બેંકિંગનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. યુનિવસટીના આંગણે થયેલું આ સંશોધન 'વિકસિત ભારત જ્ર ૨૦૪૭' ના સ્વપ્નને સાકાર કરવામાં એક મહત્વનું પગલું ગણી શકાય.

