આણંદના વાસદમાં પતિએ છૂટાછેડાની તકરારમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરી
- હત્યા કરી પતિ પોલીસ મથકે હાજર થયો
- પ્રેમસંબંધમાં પત્ની અગાઉ પડોશમાં રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી, બાદમાં સમાધાન થયું હતું
વાસદની સ્કૂલ પાસે આવેલી ભાવિન સોસાયટી ખાતે જીગ્નેશ કાંતિભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. જીગ્નેશની પત્ની ભાવિકાબેનને ઘર નજીક રહેતા ક્રિષ્ના દાસ રામનંદી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. લગભગ એક વર્ષ પૂર્વે આ બંને પ્રેમી ક્યાંક ચાલ્યા ગયા હતા અને બાદમાં એક માસ પછી વાસદ પોલીસ મથકે હાજર થયા હતા. જ્યાં બંને સમાજના માણસોએ સમાધાન કરાવતા પત્ની પતિ સાથે ગઈ હતી. દરમિયાન ગતરોજ જીગ્નેશ તથા તેની પત્ની ભાવિકાબેન વચ્ચે છૂટાછેડા બાબતે તકરાર થઈ હતી. જેમાં ભાવિકાબેને કોર્ટમાં છૂટાછેડા બાબતે હા પાડી પરંતુ, મિલકતમાં અડધો ભાગ મેળવવા કોર્ટમાં કેસ કરીશ અને પુત્રને પોતાની પાસે રાખશે તેમ કહ્યું હતું.
જેથી જીગ્નેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ભાવિકાનું ગળું પકડી બેડ ઉપર પાડી દઈ જોરથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં તે ખેતરમાં ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ તે ઘરે આવ્યો હતો અને સમગ્ર બનાવ અંગે ઓળખીતાને ફોનથી જાણ કરતા તેઓએ પોલીસમાં હાજર થવાનું કહેતા તે વાસદ પોલીસ મથકે પહોંચી ગયો હતો અને પત્નીની હત્યા કરી હોવાનું કબૂલતા પોલીસ તેને લઈ તેના ઘરે પહોંચી હતી.
જ્યાં ભાવિકાબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી જીગ્નેશ કાંતિભાઈ પટેલની વિધિવત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.