Gujarat

આડા સંબંધની આશંકાએ માથામાં લાકડાનો ફટકો મારી મિત્રની હત્યા કરી

By GS TEAM
22 Jul 20251 min read
આડા સંબંધની આશંકાએ માથામાં લાકડાનો ફટકો મારી મિત્રની હત્યા કરી

પોર તા.૨૨ પોર પાસે આવેલ વરસાડા ગામે તળાવની સામે બે મિત્રો વચ્ચે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રને માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી હતી. આડા સંબંધોની આશંકા રાખી હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેર નજીક વરસાડા ગામમાં  રહેતો વિજય શાંતિલાલ વસાવા અને હાઇવે પરની સતલુજ હોટલમાં કામ કરતો રાજુ ઉર્ફ સુદેશ રામલાલ રાજપુત (રહે.મૂળ ઉત્તર પ્રદેશ) બંને મિત્રો વચ્ચે ગામના તળાવની પાસે આજે બપોરે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં રાજુએ વિજયને માથાના પાછળના ભાગે લાકડાનો ફટકો મારતા વિજય સ્થળ પર જ પડી ગયો હતો અને મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે વિજયની વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતી બહેન ગીતા પવારને જાણ કરતા તેણે સૌપ્રથમ સાચુ માન્યુ ન હતું પરંતુ ગામના યુવાને વીડિયોકોલ પર વિજયને જમીન પર પડેલો બતાવ્યા બાદ તે સ્થળ પર દોડી આવી હતી. વરણામા પોલીસને પણ બનાવની જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને બનાવ અંગે ગીતાની ફરિયાદ મુજબ હત્યાનો ગુનો દાખલ કરી રાજુ ઉર્ફે સુદેશને ઝડપી પાડયો હતો. વિજયના આડા સંબંધોના કારણે હત્યાનો બનાવ બન્ય ોહોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.