Gujarat

વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી

By GS TEAM
16 Apr 20262 mins read
વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી

આજે શહેરના પૂર્વ વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ૪, ૫, ૬, ૧૪, ૧૫ અને ૧૬ વિસ્તારની સંયુક્ત વિકાસ સંકલ્પ જાહેર સભા યોજાઈ હતી. વોર્ડ નંબર ૧૧ અને ૨ ની એક-એક બેઠક બિનહરીફ થતાં બે કમળ નાયબ મુખ્ય મંત્રીને સમર્પિત કરાયા હતાં.

હર્ષ સંધવીએ વિપક્ષ પર પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક ચૂંટણીમાં ઈવીએમને દોષ આપે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે. વડોદરામાં પંજો અભેરાઈએ છે, જમીન પર દેખાતો નથી અને ઝાડુના સુપડાં સાફ છે. કોંગ્રેસના અધ્યક્ષ પર ગુજરાતની જનતાને બદનામ કરવાનો આરોપ મૂક્તાં સંઘવીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સવાલ કર્યો કે, આ મુદેવાંધો કેમ ઉઠાવવામાં ન આવ્યો.

એમણે ઉમેર્યું કે, વડોદરામાં પૂરના કારણે લોકોને ભારે હાલાકી થઈ હતી. ભવિષ્યમાં આવી તકલીફ ન પડે તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટનો એક તબક્કો પૂર્ણ કરાયો છે અને હવે નવો તબક્કો શરૂ થશે, સાથે ૭૫ મીટર રિંગ રોડનિર્માણ, સુરસાગર તળાવ ખાતે લેઝર શો, ફાઉન્ટેન શો અને આરતીની વ્યવસ્થા, આગામી ૪૦ વર્ષના પ્લાનિંગ સાથે પાણી પુરવઠાના મહત્ત્વના પ્રોજેક્ટ, મેગા ફૂડ પાર્ક અને કન્વેન્શન સેન્ટરના નિર્માણનું આયોજન હોવાનું જણાવ્યું હતું.

એમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં વડોદરા ગુંડાઓના નામે ઓળખાતું હતું, જ્યારે ભાજપના શાસનમાં ગુંડાઓનો સફાયો થયો. આજે એક ખાડો દેખાય તો લોકો રીલ બનાવવા બેસી જાય છે એવું કહી તેમણે ભાજપના શાસનમાં સ્વચ્છ વહીવટ અને વિકાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે એમ પણ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં બિલો પાસ થઈ જતા હતા પરંતુ રસ્તા પર કામગીરી થતી ન હતી.