બે દિવસમાં દોઢ હજાર લોકર ધારકોએ બેન્કમાં જઇ લોકર ચેક કર્યા

વડોદરા,વાઘોડિયા રોડની કોસમોસ બેન્કમાં એન.આર.આઇ. એકાઉન્ટ હોલ્ડરે લોકરમાં મૂકેલા સોનાના ૩૫ તોલા દાગીના ગુમ થઇ ગયાના આક્ષેેપ પછી બે દિવસમાં દોઢ હજાર લોકર ધારકોએ બેન્ક પર જઇને પોતાના લોકર ચેક કર્યા હતા. જોકે, અન્ય કોઇ લોકરધારકની ફરિયાદ આવી નથી.
વાઘોડિયા રોડની પારૃલ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ શાહ હાલ અમેરિકા સ્થાયી થયા છે. દીકરીના લગ્ન પ્રસંગે આવેલા નરેન્દ્રભાઇએ એવો આક્ષેપ કર્યો હતો કે, વાઘોડિયા રોડની કોસમોસ બેન્કમાં અમારા લોકરમાંથી સોનાના ૩૫ તોલા વજનના દાગીના ગુમ થયા છે. તેમએ આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. બાપોદ પોલીસે હાથ ધરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, બેન્કમાં કુલ ૨,૭૫૦ લોકર છે. જે પૈકી ૨૫ લોકર ખાલી છે. નરેન્દ્રભાઇ શાહને જે લોકર આપવામાં આવ્યું હતું. તે લોકર અગાઉ કોઇને આપવામાં આવ્યું નહતું. લોકર ધારકની ચાવીથી જ લોકર બંધ થઇ શકે છે. બેન્કની ચાવીથી લોકર બંધ થતું નથી. આ ઘટના પછી બે દિવસમાં અંદાજે દોઢ હજાર લોકરધારકો પોતાના લોકર ચેક કરવા બેંકમા ંપહોંચી ગયા હતા. લોકર રૃમની દીવાલો આર.સી.સી.ની છે. તેમાં કોઇ જગ્યાએ બારી પણ નથી. તેવા સંજોગોમાં લોકરમાંથી દાગીના ચોરી થવા હાલની તપાસ દરમિયાન શક્ય લાગતું નહીં હોવાનું પોલીસનું જણાવવું છે. સ્ટ્રોંગ રૃમની ચાવી જેની પાસે રહેતી હતી. તે સ્ટાફ તથા મેનેજરની હજી વિગતવાર પૂછપરછ કરવાની બાકી છે.









