Get The App

વીસ દિવસના સમયની અંદર જમાલપુર વોર્ડમાં કમળાના પચાસથી વધુ કેસ, સાત વર્ષની બાળકીનું મોત

અંદાજે ૧૫૦૦થી વધુ વસતી ધરાવતા ખારુના નાળા વિસ્તારમાં બે વર્ષથી પ્રદૂષિત પાણીની સમસ્યા નહીં ઉકેલાતા બીમારીના કેસ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
વીસ દિવસના સમયની અંદર  જમાલપુર વોર્ડમાં કમળાના પચાસથી વધુ કેસ, સાત વર્ષની બાળકીનું મોત 1 - image


અમદાવાદ,શુક્રવાર,11 જુલાઈ,2025

વીસ દિવસના સમયની અંદર જમાલપુર વોર્ડમાં આવેલા ખારુના નાળા અને આસપાસના વિસ્તારમાં કમળાના પચાસથી વધુ કેસ નોંધાયા છે.સાત વર્ષની અરીબા નામની બાળકી કમળાગ્રસ્ત થતા તેને એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી.પછીથી તેનુ મોત થયુ હતુ. અંદાજે ૧૫૦૦થી વધુ વસ્તી ધરાવતા ખારુના નાળા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલવા કરાતી રજુઆતને કોર્પોરેશને ધ્યાનમાં નહીં લેતા બીમારીના કેસ વધ્યા હોવાનો સ્થાનિક કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરાયો છે.

બે વર્ષ અગાઉ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા મધ્યઝોનમાં આવેલા જમાલપુર ઉપરાંત ખાડિયા,દરિયાપુર,શાહીબાગ, અસારવા અને શાહપુર વોર્ડમાં આવેલી પચાસથી પણ વધુ વર્ષ જુની પાણી અને ડ્રેનેજલાઈન બદલી નવી લાઈન નાંખવા રુપિયા ૪૫૦ કરોડના પેકેજની જાહેરાત કરાઈ હતી.જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીક શેખે કરેલા આક્ષેપ મુજબ, ખારુના નાળા અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવવા અંગેની સતત ફરિયાદ કરવા છતાં પ્રદૂષિત પાણી આવતુ હોય તેવા સ્થળોએ પાણી અને ડ્રેનેજની લાઈન બદલવામાં આવતી નથી. બે વર્ષથી ગટરના ગંદા પાણીની સમસ્યા હોવાછતાં ત્રણ દિવસ પહેલા પાણી અને ડ્રેનેજની લાઈન બદલવાની કામગીરી શરુ કરાઈ છે.વોર્ડમાં આવેલા લેબર કવાટર્સ, તાડની શેરી અને કોઠી મહોલ્લો તથા ભરડીયાવાસ ખાતે લાઈન બદલવાની કામગીરી હાલ ચાલી રહી છે.

કમળાગ્રસ્તોમાં ૪થી ૧૧ વર્ષના બાળકોનો સમાવેશ

જમાલપુર વોર્ડમાં ખારુના નાળા પાસે આવેલા બાબુરાવના મહોલ્લા અને અન્ય વિસ્તારમાં કમળાના દર્દી નોંધાયા છે.જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.૧.હસના મેમણ, ઉં.વર્ષ-૫,૨. શફા મેમણ,ઉં.વર્ષ-૮,૩. સુનહરા અઝહરુદ્દીન, ઉ.વર્ષ-૧૧, ૪.અલીખાન અઝહરુદ્દીન, ઉં.વર્ષ-૪,આ ઉપરાંત આશીમા શહેજાદખાન, મહોમદ શહેજાદખાન, નુર અને આશિકાનો સમાવેશ થાય છે.

જમાલપુર વોર્ડમાં પ્રદૂષિત પાણીના સ્પોટ

ખારુનુ નાળુ, બાબુરાવનો મહોલ્લો,લોધવાડ, રાણી રુપમતીની મસ્જિદ, મોરકસવાડ,મિરજાપુર, સુલેહખાના,મિરજાપુર,જામ સાહેબની ગલી, ભદ્ર,શાહપુર મિલ કમ્પાઉન્ડ, બુખારાનો મહોલ્લો.

અમદાવાદમાં દસ વર્ષમાં કમળાથી ૨૫૩ લોકોના મોત

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાંચ હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષમાં કમળાના ૧૮૨૯૨ કેસ નોંધાયા હતા.કમળાથી કુલ ૨૫૩ લોકોના મોત થયા હતા. એડવોકેટ અતિક સૈયદને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માહીતી અપાઈ છે.ઝાડા ઉલટીના દસ વર્ષમાં કુલ ૭૧૮૮૬ કેસ નોંધાયા હતા.જેની સામે ૧૮૨ લોકોના મોત થયા હતા.આ સમયમાં ટાઈફોઈડના ૧૪૯૧૮ કેસ નોંધાયા હતા.જેની સામે ૨૩ લોકોના મોત થયા હતા.કોલેરાના ૨૨૦૨ કેસ નોંધાયા હતા.જેની સામે ૮ લોકોના મોત થયા હતા.મેલેરિયાના ૧૩૮૫૧ કેસ નોંધાયા હતા અને ૧૨૯ લોકોના મોત થયા હતા.ડેન્ગ્યૂના ૨૨૦૧૦ કેસ નોંધાયા હતા.જે સામે ૩૦૨ લોકોના મોત થયા હતા.

Tags :