Gujarat

વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો

By GS TEAM
18 Mar 20262 mins read
વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો

અમદાવાદ,બુધવાર,18 માર્ચ,2026

અમદાવાદના અતિવ્યસ્ત એવા રેવડીબજારની એક દુકાનમાં બુધવારે બપોરે આગ લાગી હતી. આ આગ જોતજોતામા આસપાસમા રહેલી દુકાનો સુધી પહોંચતા ૩૦ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.આ દુકાનોમા રાખવામા આવેલો કાપડ અને પ્લાસ્ટિકનો જથ્થો બળી ગયો હતો.રેવડી બજારની દુકાનોમા આગ લાગી હોવાના સમાચાર વહેતા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.ફાયર વિભાગે ફાયર ફાઈટર સહિત કુલ વીસથી વધુ વાહનો અને અધિકારીઓ અને જવાનો સાથે ૧૦૦ના સ્ટાફે ત્રણ કલાકથી વધુની જહેમતના અંતે આગ હોલવવામા સફળતા મેળવી હતી. આગ લાગવા પાછળનુ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી. ફાયર અધિકારીના કહેવા પ્રમાણે, શોટ સરકીટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે. વર્ષ-૨૦૦૨મા આજ રેવડીબજારની ૮૦ દુકાનોમા આગ લાગવાની ઘટના બની હોવાનુ ફાયર અધિકારી પાસેથી જાણવા મળ્યુ છે.સદનસીબે  બુધવારે બપોરે લાગેલી  ભીષણઆગમાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહોતી.

ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બપોરે ૧.૪૦ કલાકના સુમારે રેવડીબજારની દુકાનમા આગ લાગી હોવાનો કોલ મળતા પાંચકુવા ફાયર સ્ટેશન જે નજીકમા છે ત્યાંથી ફાયર ફાઈટર સહિત સ્ટાફને સ્થળ ઉપર રવાના કર્યો હતો.પરંતુ કાપડ અને પ્લાસ્ટિકનો જથ્થો મોટા પ્રમાણમા આસપાસની દુકાનોમા રાખવામા આવેલો હોવાથી એક દુકાનમા લાગેલી આગે બીજી દુકાનોને પણ આગમા લપેટી લીધી હતી.આગના  કારણે દુર દુર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા.શહેરના અલગ અલગ ફાયર સ્ટેશનથી ગજરાજ,વોટર ટેન્કર સહિતના વાહનો અને ફાયરના અધિકારીઓ અને જવાનોને રેવડીબજારની દુકાનોમા લાગેલી ભીષણ આગ હોલવવા માટે દોડતો કરવામા આવ્યો હતો.ફાયર વિભાગને સાંકડા રસ્તા અને ભીડના કારણે કામગીરી કરવામા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.જો કે  લોકોના ટોળાને કંટ્રોલ કરવા પોલીસની મદદ લઈ  આગ હોલવવાની કામગીરી કરવામા આવી હતી.સાંજે ૫.૧૫ કલાક પછી કુલીંગની કામગીરી ફાયર વિભાગે શરુ કરી હતી.