Get The App

ગારિયાધાર શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં ધાંધિયા

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
ગારિયાધાર શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં ધાંધિયા 1 - image

- સફાઈકામદારોની મનમાની સામે લોકોમાં આક્રોશ

- નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીથી ચોમેર ગંદકીના ગંજ ખડકાયા

ભાવનગર : ગારિયાધાર નગરપાલિકાના પદાધિકારીઓની ઉદાસીનતાને લઈને શહેરમાં લાંબા સમયથી પાણી વિતરણની વ્યવસ્થામાં ધાંધીયા જોવા મળી રહ્યા છે. એટલુ જ નહિ ચોમેર ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા હોય શહેરીજનોમાં સત્તાધીશોની બેદરકારીને લઈને પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે.

ગારિયાધાર નગરપાલિકાના અધિકારીઓની ઈચ્છાશકિતના અભાવે શહેરના મોટા ભાગના રહેણાંકીય વિસ્તારોમાં ઠેર ઠેર માથુ ફાટી જાય તેવા દુર્ગંધયુકત કચરાના ઢગલાઓ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. તમામ વિસ્તારોના સફાઈકામદારો બેરોકટોકપણે મનમાની રીતે સફાઈકાર્ય કરી રહ્યા છે. પાલિકાના રજીસ્ટરમાં આ સફાઈકામદારોની હાજરી તો નિયમીત રીતે પુરાઈ જાય છે. જયારે તેમની ફરજના સ્થળે તેઓ મનસ્વી રીતે સફાઈકાર્ય કરતા હોય છે. ચોમેર કચરાના ઢગલાઓના નિકાલ કરવામાં આવતો ન હોય અહિંની મુખ્ય બજારોમાં વેપારીઓ દ્વારા બબ્બે દિવસના કચરાઓ મને કમને સળગાવતા નજરે જોવા મળી રહ્યા છે. તેમ છતા પાલિકાના અધિકારીઓ દ્વારા ફરજમાં બેદરકારી દાખવનાર સફાઈકર્મીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત તંત્રવાહકોની નિરસતાના કારણે ગારિયાધાર શહેરમાં અગાઉ ત્રણથી ચાર દિવસે આપવામાં આવતા પાણીનું હવે પાંચથી છ દિવસે તો વળી કેટલાક વિસ્તારોમાં તો સાત દિવસે પણ પાણીનું વિતરણ થઈ રહ્યુ છે. ભર શિયાળે જો આવી પરિસ્થિતી હોય તો આગામી ઉનાળામાં કેવી પરિસ્થિતિ હશે તેની કલ્પનામાત્રથી લોકો ચિંતામગ્ન બની ગયા છે.