Get The App

સુરત: મ્યુનિ.ની સ્કુલમાં રમતના સાધનો તુટેલા, મેદાનમાં છારૂનો ઢગલો

- રમશે ગુજરાત તો જીતશે ગુજરાતનો નારો કેવી રીતે સાર્થક થાય?

Updated: Dec 10th, 2018

GS TEAM

Google News
Google News
સુરત: મ્યુનિ.ની સ્કુલમાં રમતના સાધનો તુટેલા, મેદાનમાં છારૂનો ઢગલો 1 - image

સુરતના પોશ ગણાતા અઠવાલાઈન્સ વિસ્તારની શાળાના મેદાનની હાલત કફોડીઃ મેદાનની સફાઈની કામગીરી સામે ઉદાસીનતા

(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 10 ડિસેમ્બર 2018 સોમવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા હવે મેદાનના કારણે વિવાદમાં આવી છે. સમિતિની અનેક શાળામાં મેદાનની મરામત અને સફાઈની કામગીરી યોગ્ય નથી થતી તેવી ફરિયાદ બહાર આવી રહી છે. 

શહેરના પોશ ગણાતા અઠવાલાઈન્સ વિસ્તારમાં સમિતિની શાળાના મેદાન અને રમત ગમતના સાધનો જોતાં અન્ય વિસ્તારમાં સાધનો અને મેદાનની હાલત કેવી હશે તે કલ્પનાનો વિષય બની ગયો છે.

સુરત: મ્યુનિ.ની સ્કુલમાં રમતના સાધનો તુટેલા, મેદાનમાં છારૂનો ઢગલો 2 - imageસુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી કુંજ વિહાર મહેતા ગુજરાતી માધ્યમ શાળા તથા શ્રી વિશ્વેશ્વરૈયા મરાઠી માધ્યમની  શાળાના મેદાનમાં મુકેલા રમત ગમતના સાધનો વિદ્યાર્થીઓને રમત ગમત માટે ઉપયોગમાં આવે તેવા નથી. 

જો આ સાધનોનો ઉપયોગ કરે તો વિદ્યાર્થીઓને ઈજા થઈ શકે તેમ છે. આ શાળાના મેદાનમાં મુકેલા સાધનો તુટેલા છે. આટલું જ નહીં પરંતુ રમત ગમતના મેદાનમાં  સફાઈ કરવામાં આવી નથી. આ મેદાનમાં કંસ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ ( છારૃં) પડેલું જોવા મળે છે. 

આ મેદાનમાં વિદ્યાર્થીઓ રમત ગમત માટે આવે તો તેમને ઈજા થવાનો સંભવ રહેલો છે. ગુજરાત સરકાર રમશે ગુજરાત અને જીતશે ગુજરાત એવી વાતો કરે છે પરંતુ સમિતિની સ્કુલના સાધનો આવા તુટેલા હોય તો બાળકો તેવી રીતે રમી શકે તેવો પ્રશ્ન વિપક્ષ ઉઠાવી રહ્યો છે. 

આ સ્કુલ જ નહીં અન્ય  સ્કુલના મેદાનની સફાઈ તથા રમત ગમતના સાધનો યોગ્ય હોવા જોઈએ તેવી માગણી કરી રહ્યાં છે. જો સાધનો રીપેર કરાવવામાં સમિતિ વિલંબ કરે તો કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા થવાની શક્યતા નકારી શકાતી નથી.