વાડી ફળિયામાં 13 ફ્લેટ વેચાણના નામે રૂ. 1.64 કરોડની છેતરપિંડીમાં દલાલ પકડાયો
- સિટીલાઇટના બિલ્ડરે દલાલ મારફતે શિવશક્તિ હેરીટેજ એપાર્ટમેન્ટના ફ્લેટના સાટાખત કરી રૂપિયા પડાવ્યા હતા
- એપાર્ટમેન્ટ મોર્ગેજ કરી રૂ. 99 લાખની લોન લઇ ભરપાઇ કરી ન હતી
સુરત
સુરતના વાડી ફળિયાના શિવશક્તિ હેરીટેજ નામના એપાર્ટમેન્ટના ફ્લેટના સાટાખતના આધારે 13 જણા પાસેથી રૂ. 1.64 કરોડ પડાવવા ઉપરાંત એપાર્ટમેન્ટ મોર્ગેજ કરી બેંકમાંથી રૂ. 99 લાખની લોન લઇ ભરપાઇ નહીં કરી છેતરપિંડી કરવાના પ્રકરણમાં દલાલની પોલીસે ધરપકડ કરી છે. જયારે માસ્ટર માઇન્ડ બિલ્ડર અને તેની પત્ની તથા પુત્રીની શોધખોળ હાથ ધરી છે.
શહેરના રૂસ્તપુરા વિસ્તારના એસ.એમ.સી ટેનામેન્ટમાં રહેતા રત્ન કલાકાર મનિષ રાજેશ રાણા (ઉ.વ. 27) એ શહેરના વોર્ડ નં. 9 વાડી ફળિયાની ચકાવાળાની શેરીમાં શિવશક્તિ હેરીટેજ નામના એપાર્ટમેન્ટનો ફ્લેટ નં. 204 બિલ્ડર ભરત મોહનદાસ ભારવાણી (રહે. મોનાલીસા પાર્ક, ધરમ રો હાઉસ પાસે, સિટીલાઇટ રોડ, સુરત) પાસેથી રૂ. 12.51 લાખમાં ખરીદી રોકડેથી અને ચેકથી પેમેન્ટ ચુકવ્યું હતું. નોટરી સમક્ષ સાટાખત કરી આપનાર બિલ્ડર ભરતે દસ્તાવેજ કરવા માટે વાયદા કર્યા હતા અને મનિષને વેચાણ કરેલો ફ્લેટ નં. 204 બારોબાર કૈલાશબેન જયેશ રાણાને રૂ. 12.01 લાખમાં વેચાણ સાટાખત કરી આપ્યો હતો. આવી જ રીતે બિલ્ડર ભરત ભારવાણીએ એક-બે નહીં પરંતુ 13 જણાને સાટાખત થકી ફ્લેટ વેચાણ કરી રૂ. 1.64 કરોડ પડાવી લીધા હતા અને દસ્તાવેજના નામે ધક્કે ચડાવ્યા હતા. ઉપરાંત ભરત ભારવાણી અને તેની પત્ની આશા ભારવાણી, પુત્રી સિમરન ભારવાણીએ શિવશક્તિ હેરીટેજ એપાર્ટમેન્ટ મોર્ગેજ કરી લાલગેટના કણપીઠ ખાતેની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂ. 99 લાખની લોન લઇ ભરપાઇ કરી ન હતી. જેથી બેંક દ્વારા એપાર્ટમેન્ટને સીલ મારવાની તજવીજ હાથ ધરતા ફ્લેટ ખરીદનારે અઠવાડિયા અગાઉ અઠવાલાઇન્સ પોલીસમાં બિલ્ડર, તેની પત્ની અને પુત્રી અને મુકેશ રંગરેજ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં એલસીબી ઝોન 4 ની ટીમે દલાલ મુકેશ ઉર્ફે મુકેશ ડેન્જર જયંતિ રંગરેજ (ઉ.વ. 50 રહે. મારૂતિ નંદન એપાર્ટમેન્ટ, અનાવિલ શેરી, સગરામપુરા, સુરત) ની ધરપકડ કરી તેનો કબ્જો અઠવાલાઇન્સ પોલીસને હવાલે કર્યો છે.