For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જમાલપુર-ખાડિયા વિધાનસભા ચૂંટણીમાં ખાડિયાના મતદારોને મનાવવા રેલીની સાથે રસોડા ચાલુ કરાયા

ખાડિયામાં આવેલી પોળોમાં કેટલા મકાન બંધ,કેટલા ખુલ્લા છે એનો ખાનગીમાં કરાતો સર્વે

Updated: Nov 20th, 2022

     

  અમદાવાદ,રવિવાર, 20 નવેમ્બર,2022

રાજય વિધાનસભાની ચૂંટણી માટે જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક માટે પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનુ છે.આ અગાઉ ચૂંટણી પ્રચાર માટે વિવિધ વિસ્તારમાં યોજવામા આવતી રેલીની સાથે ભાજપના ઉમેદવાર માટે રસોડા ચાલુ કરવામા આવ્યા છે.ઉપરાંત ખાડિયામાં આવેલી પોળોમાં કેટલા મકાન બંધ અને કેટલા ખુલ્લા છે એનો ખાનગીમાં સર્વે શરુ કરવામા આવ્યો છે.

જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક નંબર-૫૨ ના ભાજપના ઉમેદવાર માટે શનિવારે મોડી સાંજે ખાડિયા ધોબીની પોળ,અમૃતલાલની પોળ,દેસાઈની પોળ,જેઠાભાઈની પોળ, ગોટીની શેરી, સુથારવાડાની પોળ,પીપળાશેરી,મણિયાશાની ખડકી,હીંગળોક જોષીની પોળ,સુરતીની પોળ ઉપરાંત કવિશ્વરની પોળ,પુષ્પકર્ણાની પોળ, લીમડા પોળ સહિત બાલાહનુમાન વિસ્તારમા રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.રેલીની સાથે ઉમેદવારની સાથે આવેલા નેતાઓ અને કાર્યકરોની સાથે સ્થાનિક મતદારોને મનાવવા વિવિધ પોળોમા રસોડા ચાલુ કરીને મતદારોને  જમાડી મનાવવા પણ પ્રયાસ કરવામા આવ્યો હતો.

ખાડિયામા છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીરોડ ઉપર ઈલેકટ્રીક માર્કેટ બની ગયુ છે.ઉપરાંત વિવિધ પોળોના રહેણાંક મકાન પણ કોમર્શિયલ ગોડાઉન તરીકે ઉપયોગમા લેવામા આવી રહયા છે.ખાડિયાની પોળોમા રહેણાંક મકાનોને કોમર્શિયલમા ફેરવવાના કારણે મોટાભાગની પોળોના રહીશો છેલ્લા એક દશકમા વિસ્તારમા ખંડણી વસૂલવા અને કોમર્શિયલ તથા ગેરકાયદેસર બાંધકામનુ પ્રમાણ વધતા તેમના મકાન બંધ કરીને અન્ય વિસ્તારમા રહેવા જતા રહયા છે.

આ પરિસ્થિતિથી સુપેરે વાકેફ ભાજપની નેતાગીરીએ આ બેઠક ઉપરના ઉમેદવાર જીતી શકશે કે નહીં એ માટે ખાનગીમા માણસો રોકી ખાડિયાની કઈ અને કેટલી પોળના મકાન બંધ છે અને કેટલા મકાન ખુલ્લા છે એ અંગેનો ખાનગીમા સર્વે પણ શરુ કરાવ્યો હોવાનુ જાણવા મળે છે.

ભાજપના નેતા ઘરમાથી બહાર ન આવ્યા

જમાલપુર-ખાડિયા બેઠકના ઉમેદવાર શનિવારે સાંજે પ્રચાર દરમિયાન ભાજપના પૂર્વ નેતા અને જેમનુ નામ વિધાનસભાના ઉમેદવારની યાદીમા છેક છેલ્લે સુધી ચર્ચામા હતુ એમના ઘેર પણ પ્રચાર માટે પહોંચ્યા હતા.જે સમયે  ભાજપના ઉમેદવાર આ નેતાના ઘેર મળવા પહોંચ્યા એ સમયે ઉમેદવારને બહારથી જ રોકડુ પરખાવી દેવામા આવ્યુ હતુ કે,નેતા ઘરે નથી.ઉમેદવાર સાથે રહેલા કાર્યકરો પણ આ દ્રશ્ય જોઈ ચોંકી ઉઠયા હતા.ખાડિયાના આ બે કદાવર નેતાઓ વચ્ચે ઘણા લાંબા સમયથી તૂ-તૂ-મેં-મે ચાલી રહી છે.એમા પણ ઘરની બહાર નીકળવાનુ ટાળી ચૂકેલા ભાજપના નેતાનુ ખરાબ રીતે અપમાન ભૂતકાળમા કરવામા આવ્યુ હોવાથી આ વખતે તેમણે  પ્રચારમા જોડાવાનુ ટાળી દીધુ હોવાની ચર્ચા ભાજપના વર્તુળોમા સાંભળવા મળી રહી છે.

Gujarat