ગુજરાતી ફિલ્મનાં રસપ્રદ ઈતિહાસમાં'નરસિંહ મહેતા' પ્રથમ બોલતી ફિલ્મ રિલિઝ થઈ હતી
તા. 9મી એપ્રિલ એટલે ગુજરાતી બોલતી ફિલ્મના નવા યુગનો પ્રારંભ : શામળશાના વિવાહનું દ્રશ્યનું ફિલ્માંકન કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે નાગરજ્ઞાાતિના રીતરિવાજો જાણવા માટે જ્ઞાાતિના ગોરને બોલાવી લગ્ન વિધિ કરાવી હતી
પ્રભાસપાટણ, : ભારતીય સિનેમાનો ઈતિહાસ ખૂબજ રોચક અને રસપ્રદ છે. 1930 સુધી મૂંગી ફિલ્મોના નિર્માણ થતા હતા, એ પછી 1931માં બોલતી ફિલ્મના યુગનો આરંભ થયો હતો. પ્રથમ હિન્દી બોલતી ફિલ્મ 1931માં 'આલમઆરા' બની હતી અને 9 એપ્રિલે 1932માં પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા રિલિઝ થઈ હતી. એ ફિલ્મ નિર્માણની વાતો પણ રોચક અને રસપ્રદ છે.
નરસિંહ મહેતા ફિલ્મ સાગરમૂવી ટોન દ્વારા નિર્મિત થઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક નાનુભાઈ વકીલ હતા. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મુંબઈમાં અને જૂનાગઢના નાગરવાડામાં , ગીરનાર તળેટી, દામોદર કુંડ જેવા વિસ્તારોમાં ખાસ સેટ ઉભા કરીને કરાયું હતું. આ સેટ ગુજરાતી નાટય સેટ ડિઝાઈનર રંગીલદાસ દેસાઈએ કલાગુરૂ રવિશંકર રાવળના સહયોગથી કર્યા હતા. ફિલ્મ ડાયરેકટરે નરસિંહ મહેતાના પાત્ર લેખન માટે ગુજરાતના સાક્ષરો આનંદશંકર ધુ્રવ, કવિ નાનાલાલ, નાટયકાર પ્રભુલાલ દ્વિવેદી તેમજ નવલકથાકાર કનૈયાલાલ મુનશીની સાથે પરામર્શ કર્યો હતો અને નરસિંહ મહેતાના જ્ઞાાન, તેમજ ભકિતયોગને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
નરસિંહ મહેતાના સમયકાળમાં પંદરમી સદીમાં ફોટોગ્રાફી વિકસી ન હતી. એટલે નરસિંહ મહેતાનો ફોટો ઉપલબ્ધ ન હતો. આથી પાત્ર પસંદગીમાં મોટો પડકાર બન્યો હતો કે નરસિહ મહેતાનો લૂક કેવો હશે ? આ માટે ચિત્રકાર રવિશંકર રાવળ મદદે આવ્યા હતા. ફિલ્મ બનાવવા માટે ચિત્રો બનાવવાનું કામ એમણે સંભાળી લીધું હતું. તેણે પણ નરસિંહ મહેતાની તસવીર તૈયાર કરવા માટે હસ્તપ્રતો અને પોથી ચિત્રોનો અભ્યાસ કર્યો હતો. તેમજ નાગરજ્ઞાાતિના પુરૂષોના કદ અને કાઠીનો અંદાજ મેળવ્યો હતો. એ પછી નરસિંહ મહેતાનું ચિત્ર તૈયાર થયું હતુ. એ પછી તસવીર અનુરૂપ કલાકારની શોધ ચાલુ કરાઈ હતી જેમાં મરાઠી ગાયક અને અભિનેતા મારૂતિરાવ પહેલવાનને નરસિંહ મહેતાની ભૂમિકા માટે પસંદ કરાયા હતા. મતલબ કે ગુજરાતી ફિલ્મ માટે મરાઠી કલાકારને પસંદ કરવો પડયો હતો.
આ ફિલ્મમાં શામળશાના વિવાહનું દ્રશ્યનું ફિલ્માંકન કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે નાગરજ્ઞાાતિના રીતરિવાજો જાણવા માટે જ્ઞાાતિના ગોરને બોલાવી લગ્ન વિધિ કરાવી હતી અને એ શુટિંગ પુરૂ કરવામાં આવ્યું હતુ. એ પછી ગોરમહારાજને દક્ષિણા માટે કહેવામાં આવતા એણે એમ કહ્યું હતુ કે નરસિંહ ભગતના પૈસા દક્ષિણા ન લેવાય..આ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની ભૂમિકા ઉમાકાંત દેસાઈએ જયારે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની ભૂમિકા શરીફાબાનોએ ભજવી હતી. માણેકબાઈની ભૂમિકા મીસ ખાતુને ભજવી હતી. રંગભૂમિના લોકપ્રિય અભિનેતા મોહનલાલાએ રા માંડલિકનું પાત્ર ભજવ્યું હતુ.
આ ફિલ્મ બન્યા બાદ હિન્દી અને ગુજરાતીમાં નરસિહ મહેતા વિષય પર ફિલ્મો બની હતી. જેમાં 1940માં પ્રકાશ પિકચર્સના નેજા હેઠળ વિજય ભટ્ટે હિન્દી ફિલ્મ નરસીભગત બનાવી હતી. એ પછી 1957 અને 1984માં પણ ફિલ્મ બની હતી. નરસિંહ મહેતા વિષે ટીવી સિરીયલો બની છે. મહેતાજીના ચિત્રવાળી ટપાલ ટિકિટ પણ ભારતસરકારે બહાર પાડી હતી.