17 વર્ષમાં એક પણ કોર્પોરેટરે પ્રાણીસંગ્રહાલયના પશુ-પક્ષી દત્તક લેવાની પહેલ ના કરી
Ahmedabad News : અમદાવાદના પ્રાણી સંગ્રહાલય ખાતે 2100થી વધુ પક્ષી,પ્રાણી સહીતના વન્ય જીવો રાખવામાં આવ્યા છે. આ જીવોને દત્તક લેવા વર્ષ-2008માં ફ્રેન્ડસ ઓફ ઝૂ નામની સ્કીમ શરુ કરવામાં આવી હતી. 17 વર્ષમાં એકપણ કોર્પોરેટરે ઝૂના પક્ષી-પશુને દત્તક લેવા પહેલ કરી નથી.ટૂંકમાં આરંભે શૂરા કહેવત શહેરના 192 કોર્પોરેટરોએ સાચી સાબિત કરી છે. વર્ષ-2025-26ના વર્ષમાં કુલ 11 પાર્ટીએ ઝૂના 36 પ્રાણી દત્તક લીધા છે.
વોટરકૂલર માટે મળી કુલ રુપિયા 3.81 લાખની સહાય લોકો તરફથી ઝૂને મળી છે. એક કોર્પોરેટરને વાર્ષિક રુપિયા 40 લાખ તથા પદાધિકારીઓ અને વિપક્ષનેતાને વાર્ષિક રુપિયા 50 લાખનુ બજેટ ફળવાય છે. આ રકમમાંથી પણ તેઓ ઝૂના પક્ષી કે પ્રાણીઓ દત્તક લઈ શકયા હોત.પણ દાનતનો અભાવ જોવા મળી રહયો હોય તેમ લાગી રહયુ છે.
જે સમયે આ યોજના અમલમાં મુકાઈ હતી એ સમયે ઝૂમાં રખાતા પક્ષી કે પ્રાણીઓને ખોરાકી ખર્ચ માટે વાર્ષિક ધોરણે દત્તક લેનારાને પ્રોત્સાહીત કરવાની જાહેરાત કરાઈ હતી.જેમાં ઝૂમાં રાખવામાં આવતા પ્રાણીઓ માટે હીટર ઉપરાંત ગરમીમાં એ.સી., એરકુલર તેમજ તેમના પાંજરાના સમારકામ પાછળ થતા ખર્ચ માટે દત્તક લેનારા તેમનુ યોગદાન આપે તો તેમને વ્યકિકગત કે સંસ્થા દીઠ સર્ટિફિકેટ આપવાની સાથે વર્ષમાં બેથી ચાર વખત ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ આપવા તથા પક્ષી કે પશુ માટે વીમા પોલીસીના પ્રિમિયમની રકમ પણ ફ્રેન્ડઝ ઓફ ઝૂ આપી શકશે એમ કહેવાયુ હતુ.
આ યોજના જાહેર કરાયાને 17 વર્ષના વહાણા વાઈ ગયા. આમ છતાં કોર્પોરેશનના સત્તાધીશોએ કયારેય એવો પ્રયાસ ના કર્યો કે શહેરમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો કે કોર્પોરેશનના અધિકારીઓ ઝૂમાં રાખવામાં આવતા પક્ષી કે પ્રાણીઓને દત્તક લે. જો આમ થયુ હોય તો ઝૂમાં રખાતા પક્ષી કે પ્રાણીઓનો મોટાભાગનો ખર્ચ દત્તક લેવાની યોજનામાંથી સરળતાથી નીકળી શકયો હતો.પરંતુ કોર્પોરેટર હોય કે અધિકારીઓ તમામ લોકોને આમ કરો કે તેમ કરો એવી અપીલ કરે છે પણ પોતે તેનુ પાલન કરવામાં ક્ષોભ અનુભવતા હોય એમ બતાવી દીધુ છે.