એક જ સ્થળે એકાદ હજાર મગર હોય એવો દેશમાં એકમાત્ર કમલેશ્વર ડેમ

આજે વિશ્વ મગર દિવસે જાણવા જેવી મ્હોફાડ હકીકત! 1977થી સાસણ ખાતે ચાલતું મગર ઉછેર કેન્દ્ર એકાદ વર્ષથી બંધ છે, ત્યાં રહેલી મગરોને પણ ડેમમાં મુક્ત કરી દેવાઈ
જૂનાગઢ, : આવતીકાલે 17 જૂનના વિશ્વ મગર દિવસની ઉજવણી થશે. આ તકે, એ હકીકત રસપ્રદ બની રહી છે કે સાસણ ગીરમાં મગર ઉછેર કેન્દ્ર હતું તે તો એકાદ વર્ષથી બંધ થઈ ગયું છે પરંતુ ત્યાં રહેલી મગરને ગીરમાં આવેલા કમલેશ્વર ડેમમાં મુક્ત કરવામાં આવી એ પછી હાલ આ કમલેશ્વર ડેમમાં એકાદ હજાર મગરોનો વસવાટ હોવાનો અંદાજ છે.
મગર પાણીની આસપાસ અને પાણીમાં રહેતું સરિસૃપ છે. નદી, ડેમ, વોકળાઓમાં પાણીમાં રહેતા મગર પાણી સૂકાઈ જતા જમીન નીચે જતા રહે છે. ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરનો વસવાટ છે.
સાસણમાં 1977માં ભારતીય મગર ઉછેર સંરક્ષણ પ્રોજેકટ અપનાવવામાં આવ્યો હતો. ત્યાં મગર ઉછેર કેન્દ્ર કાર્યરત હતું. તેમાં મોટી થતી મગરને મુક્ત કરવામાં આવતી હતી. એકાદ વર્ષ પૂર્વે સાસણમાં મગર ઉછેર કેન્દ્ર બંધ થઈ ગયું છે. તેમાં રહેલી તમામ મગરને કમલેશ્વર ડેમમાં મુક્ત કરવામાં આવી હતી.
હાલ ગીરની મધ્યમાં આવેલા કમલેશ્વર ડેમમાં એકાદ હજાર મગરનો વસવાટ છે, જે પાણીમાં અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. 2016ના વર્ષમાં 10 કિ.મી.ના વિસ્તારમાં 13 ઝોનના 120 સબ ઝોનમાં મગરની ગણતરી કરવામાં આવી હતી પરંતુ તેમાં મગરનો ચોક્કસ આંકડો સામે આવ્યો ન હતો. સમગ્ર દેશમાં કદાચ કમલેશ્વર ડેમ એક જ એવું સ્થળ છે જ્યાં આટલા મોટા પ્રમાણમાં મગરનો વસવાટ છે. ઉનાળામાં પણ આ ડેમમાં પાણી હોય છે. ડેમ જંગલમાં હોવાથી મગરને ખોરાક પણ મળી રહે છે. આથી આટલા મોટા પ્રમાણમાં મગરની સંખ્યા કુદરતી રીતે વધી રહી છે.








