દેશમાં 123 વર્ષમાં ઓગષ્ટ-23માં સૌથી ઓછો વરસાદ, સૌથી વધુ તાપ!
Updated: Sep 2nd, 2023
સૌથી સુકા મહિનાનો 2005નો રેકોર્ડ તૂટયો , વરસાદમાં 36 ટકા ખાધ સૌરાષ્ટ્રમાં આ મહિનામાં 96 ટકા ઓછો વરસાદ! : વરસાદ ઓછો રહેવાની સાથે દેશમાં ઓગષ્ટ માસમાં મહત્તમ સરેરાશ તાપમાન 31.19 સે.રહ્યું છે જે નોર્મલ 31.09 કરતા 1.10 સે.વધારે છે.
ભારતમાં ઈ.સ. 1971-2020 એટલે કે ગત પચાસ વર્ષમાં દર વર્ષે સરેરાશ 254.9 મિ.મિ.વરસાદ વરસતો હોય છે તે સામે આ વર્ષે 36 ટકા ઓછો વરસાદ રહ્યો છે. દક્ષિણ ભારત અને મધ્ય ભારતમાં પણ 123 વર્ષોમાં સૌથી ઓછો ઓગષ્ટનો વરસાદ આ વર્ષે નોંધાયો છે. દક્ષિણ ભારતમાં તો આ મહિનામાં માંડ 3 ઈંચ વરસાદ જ પડયો છે અને ત્યાં સામાન્ય વરસાદ સામે 60 ટકાનો તોતિંગ ખાધ છે.
ઉલ્લેખનીય છે કે એક તો ભારતીય હવામાન પર ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે અને તેમાં વરસાદ આવે તો ધોધમાર અતિશય વરસી પડે. અને બીજું, સાત વર્ષ બાદ આ વર્ષે અલનીનોની વિપરીત સ્થિતિ સર્જાઈ છે જે ચોમાસુ બગાડવા માટે જાણીતો સમુદ્રી પ્રવાહ છે. દેશમાં 1197 પૈકી 58 વેધર સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અતિશય ભારે (આઠ ઈંચથી વધુ) વરસાદ વરસ્યો છે અને 3.07માં અતિ ભારે અને 842 સ્ટેશનમાં ભારે વરસાદ વરસ્યો છે છતાં કૂલ વરસાદ ઓછો છે. હાલ, મૌસમ વિભાગ ભારતીય સમુદ્રોના દ્વિધુ્રવની સ્થિતિ સાનુકૂળ બને તેની આશાએ ચોમાસુ હજુ નોર્મલ રહેવાની આગાહી કરે છે.
આ મહિનામાં સામાન્ય રીતે સારો વરસાદ લાવતા લોપ્રેસરની પાંચેક સીસ્ટમ બનતી હો છે તે સામે આ વર્ષે મહિનામાં માત્ર એક ડીપ્રેસન અને એક લો પ્રેસર અને તે પણ બંગાળની ખાડીમાં સર્જાયું છે. ઉપરાંત મૌન્સૂન ટ્રોફ કે જે મેઘરાજાને ગતિશીલ કરવા જાણીતો લોપ્રેસર એરિયા હોય છે તે પણ આ વર્ષે પ્રતિકૂળ રહ્યો છે. વધુમાં, મૌસમ વિજ્ઞાાન વિભાગે આજે જારી કરેલ વિગત મૂજબ સૌરાષ્ટ્ર કે જ્યાં જૂન-જૂલાઈમાં દેશમાં સર્વાધિક વરસાદ વરસ્યો હતો ત્યાં ઓગષ્ટ માસમાં સૌથી ઓછો વરસાદ પડયો છે, નોર્મલ સામે માત્ર 4 ટકા એટલે કે 96 ટકા ઓછો વરસાદ થયો છે. બાકીના ગુજરાતમાં પણ આ માસમાં 87 ટકા વરસાદની ખાધ પડી છ. રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,કર્ણાટક સહિત રાજ્યોમાં પણ ઓગષ્ટ એકંદરે કોરો રહ્યો છે.