સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી
સફાઈ માટે બોટ રાખવાની હતી તો બોટને ખુલ્લી કેમ રખાઈ હતી ,કોઈ બોલવા તૈયાર નથી
અમદાવાદ,શુક્રવાર,5 સપ્ટેમ્બર,2025
મંગળવારે સરખેજમા આવેલા શકરી તળાવમાં ત્રણ કિશોરના ડૂબી
જવાથી મોત થયા હતા.ઘટના બન્યાને ચાર દિવસ પછી પણ કોન્ટ્રાકટરને બેદરકારી મામલે
કોર્પોરેશન તરફથી નોટિસ અપાઈ નથી.તળાવ સફાઈની શરતોમાં સફાઈ માટે બોટ રાખવાનો
ઉલ્લેખ હતો તો કયા કારણથી કોન્ટ્રાકટરે બોટ લોક માર્યા વગર તળાવમાં ખુલ્લી રાખી હતી તે મુદ્દે કોઈ બોલવા
તૈયાર નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થોડા સમય પહેલા જ અલગ અલગ તળાવની
સફાઈ માટેના કોન્ટ્રાકટરોની મુદત લંબાવી અપાઈ હતી.શકરી તળાવમાં બનેલી દૂર્ઘટના ને
લઈ હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશો તરફથી એક પણ નિવેદન કરાયુ નથી.તળાવ સફાઈના કોર્પોરેશન
તરફથી આપવામા આવતા કોન્ટ્રાકટના ટેન્ડરની શરતોમાં તળાવમાં બોટ રાખવાની જોગવાઈ
રખાતી હોવાનું આજદીન સુધી જોવા મળ્યુ
નથી.છતાં જો ખાસ કિસ્સામા શકરી તળાવની સફાઈ માટે બોટ રાખવાની કોન્ટ્રાકટરને મંજુરી
આપી હોય તો જે સમયે આ દુર્ઘટના બની એ સમયે કોન્ટ્રાકટરના કર્મચારી હાજર હતા કે કેમ
એ મુદ્દે પણ કોર્પોરેશને તપાસ કરવી જોઈએ. પરંતુ હેલ્થ વિભાગ તરફથી તળાવ સફાઈની
દરખાસ્તો હેલ્થ કમિટીમાં મંજુરી માટે મુકાય છે.જેને કમિટીના ચેરમેન સહીતના તમામ
સભ્યો મંજુર પણ કરે છે.તંત્ર અને સત્તાધીશોના મેળાપીપણાંને કારણે નિર્દોષ કિશોરોના
મોત થવા છતાં કોઈનુ રુવાંડુ પણ ફરકયુ નથી.