Ahmedabad VS Hospital અમદાવાદ મ્યુનિ.સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં કિલીનીકલ રીસર્ચમાં ગેરરીતી અને નાણાંકીય અનિયમિતતા મામલે એસોસિએટ પ્રોફેસર ડોકટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરાયા છે. 8 જેટલા કોન્ટ્રાકટ ઉપરના તબીબોને છૂટા કરાયા છે.તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ સામે પણ કાર્યવાહી કરાશે.મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તપાસ સમિતિએ રજૂ કરેલા વચગાળાના અહેવાલને પગલે આ નિર્ણય લેવાયો છે.
વી.એસ.હોસ્પિટલમાં ચાલતા કિલીનીકલ રીસર્ચ માટે નેશનલ મેડીકલ કમિશન તેમજ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર એથીકલ કમિટીની રચના કરવામા આવી નહીં હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.હોસ્પિટલના તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટના સમયમાં એથીકલ કમિટીએ કરેલી રીસર્ચની કામગીરી નિયમ અનુસાર નહીં હોવાનુ જણાતા હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ અહેવાલ રજૂ કર્યો હતો.આ બાબતમાં એન.એચ.એલ.મેડીકલ કોલેજના ડીન,વી.એસ.હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ, ડાયરેકટર વિજિલન્સ વગેરેની એક કમિટી બનાવાઈ હતી.કમિટીએ સઘન તપાસ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કિલીનીકલ રીસર્ચ અને નાણાંકીય વ્યવહારોની અનિયમિતતા મામલે પગલા લેવા અહેવાલ રજૂ કર્યો હતો.જેમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોકટર દેવાંગ રાણાએ હોસ્પિટલમાં એક્ષપર્ટ ફાર્મેકોલોજીસ્ટ તરીકે કામગીરીમાં ગેરશિસ્ત અને ગેરરિતી આચરી હોવાનુ જણાતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા હુકમ કરાયો છે.તપાસ સમિતિ આ મામલે વધુ તપાસ કરી અંતિમ અહેવાલ આપશે.


