વિધાનસભામાં સત્રના બીજા દિવસે કોંગ્રેસ આક્રમક, મુલાસણાના જમીન કૌભાંડને લઈ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન

કોંગ્રસના ધારાસભ્યોએ "વિજયભાઈએ વેચી જમીન ભૂપેન્દ્રભાઈએ આપી મંજૂરી, 20,000 કરોડમાં કોના કેટલો ભાગ" જેવા સૂત્રોચ્ચાર કર્યા

પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા મામલે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પોસ્ટરો લઈ ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરાઈ

Updated: Sep 14th, 2023


Google NewsGoogle News
વિધાનસભામાં સત્રના બીજા દિવસે કોંગ્રેસ આક્રમક, મુલાસણાના જમીન કૌભાંડને લઈ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન 1 - image



અમદાવાદઃ ગાંધીનગર જીલ્લાના મુલાસણામાં પાંજરાપોળને 99 વર્ષના ભાડાપટ્ટેથી અપાયેલી જમીનમાં આચરાયેલા કૌભાંડ અંગે બુધવારે વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, સરકારે વિવિધ પ્રશ્નોના લેખિતમા જવાબ આપ્યા હતા. જેમાં માત્ર એટલુ જ કહ્યુ કે, સીટની એટલે કે, સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસ ચાલુ છે. હવે આ બાબતે આજે સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ચોએ વિધાનસભામાં બેઠક શરૂ થાય તે પહેલાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાત વિધાનસભામાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા જમીન કૌભાંડ મામલે "વિજયભાઈએ વેચી જમીન ભૂપેન્દ્રભાઈએ આપી મંજૂરી 20,000 કરોડમાં કોના કેટલો ભાગ" જેવા સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે બીજા દિવસે પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા મામલે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પોસ્ટરો લઈ ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે વિધાનસભામાં કોંગ્રેસના અમિત ચાવડા, વિમલ ચૂડાસમા, દિનેશ ઠાકોર, ઉમેશ મકવાણા વગેરેએ મુલાસણાની જમીન કૌભાંડના સંદર્ભમાં વિવધ પ્રશ્નો પૂછ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોમાંથી સરકાર તરફથી માત્ર બે કે ત્રણ પ્રશ્નોના સીધા જવાબો આપવામાં આવ્યા હતાં. જેમકે કૌભાંડમાં પોલીસ ફરિયાદ થઈ છે. જમીન ટોચ મર્યાદાના કાયદાના ભંગની બે ફરિયાદ થઈ છે. એ સિવાયના બાકીના તમામ પ્રશ્નોમાં એવા જવાબો આપ્યા હતાં કે, સીટની રચના કરાઈ છે અને તેની તપાસ ચાલી રહી છે. 

કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં સરકારને સવાલો કર્યાં

કોંગ્રેસના ધારાસભ્યોએ એવુ પૂછ્યું હતું કે, પાંજરાપોળને અપાયેલી જમીનમાં નામફેર, વેચાણ અને બિનખેતીની પ્રક્રિયા કરતા પહેલા મહેસુલ વિભાગ અને ચેરીટી કમિશ્નનરની મંજૂરી લેવાઈ હતી કે કેમ ? જો મંજૂરી લેવાઈ ન હતી તો તેના કારણો કયા, તે માટે જવાબદારો સામે છેલ્લા બે વર્ષમાં શું પગલા લીધા? આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ, આ જમીન શ્રી સરકારમાં દાખલ કરવાની કાર્યવાહી કયા તબક્કે પહોંચી છે અને આ કાર્યવાહી ક્યાં સુધીમાં પૂર્ણ થશે? આ જમીન બિનખેતી કરતા પહેલા ચેરીટી કમિશ્નરની અને મહેસુલ મંત્રીની મંજૂરી લેવાઈ હતી કે કેમ, જો મંજૂરી લેવાઈ નહોતી તો તેને માટે જવાબદારો સામે શું પગલા લીધા ? જમીન ટોચ મર્યાદા કાયદાનો ભંગ થયાની ફરિયાદ મળી છે કે કેમ, ફરિયાદો અંતર્ગત જવાબદારો સામે શું કાર્યવાહી કરી, પાંજરાપોળની જમીન કોણે ખરીદી છે, કોની કેટલી જમીન ક્યારે બિનખેતી થઈ, ગૌશાળાની જમીન એનએ કરી તેમાં કેટલા અભિપ્રાયો લેવાય હતા, અભિપ્રાયો કઈ ઓથોરીટીએ આપ્યા હતા?


Google NewsGoogle News