Get The App

સૌરાષ્ટ્રમાં કમોસમ બની મોસમ, ઠેરઠેર કરાં સાથે માવઠાં વરસ્યા

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
સૌરાષ્ટ્રમાં કમોસમ બની મોસમ, ઠેરઠેર કરાં સાથે માવઠાં વરસ્યા 1 - image


ગુજરાત ઉપર ધસી આવ્યા કમોસમી વાદળો લાલપુરના ભણગોળમાં નદી બે કાંઠે, અમરેલી જિલ્લામાં અવિરત  વરસાદથી પાકને નુક્શાન, ખંભાળિયા,કલ્યાણપુરમાં કરાં વરસ્યા રાજકોટ,જુનાગઢમાં ઝાપટાં, ભૂજમાં ધોધમાર બે ઈંચ અને સુરેન્દ્રનગરના ચોટીલા,લખતર, દસાડામાં અર્ધો ઈંચ સુધી માવઠાં 

રાજકોટ, : સમગ્ર રાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્રનું હવામાન એટલી હદે પલટાયું છે કે કમોસમ જાણે વરસાદી મોસમ બની ગઈ છે અને આજે પણ દ્વારકા, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં સાંજ સુધીમાં હળવા ઝાપટાંથી માંડીને ધોધમાર વરસાદ કરાં સાથે અને ગાજવીજ-આંધી સાથે વરસ્યાના અહેવાલો મળ્યા છે. આજે સાંજે ઉત્તર,દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર,કચ્છ ઉપર કમોસમી વાદળો ધસી આવ્યા હતા અને રાત્રે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદનું એલર્ટ મૌસમ વિભાગે જારી કર્યું હતું.

એકધારા માવઠાં અને કસમયના ભારે વરસાદથી જુનાગઢ,અમરેલી,  પંથકમાં કેરીના આંબાઓને તથા સૌરાષ્ટ્રમાં અન્યત્ર ચણા, ધાણા સહિતના ઉભા મોલને નુક્શાનની ચિંતા જન્મી છે.  જામનગર જિલ્લાના લાલપુરમાં કરાં સાથે વરસાદ અને તાલુકાના ભણગોળ ગામમાં તો ધોધમાર વરસાદથી ગામની નદી બે કાંઠે વહેવા લાગી હતી અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જામનગરમાં મિશ્ર હવામાન રહ્યુંહતું. તો દ્વારકા જિલ્લાના જામખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં કરાં સાથે વરસાદ નોંધાયો છે. ખંભાળિયા-ભાણવડ પટ્ટીમાં ભટગામ,માંઝા, કોલવા, તથિયા તથા બજાણા વિસ્તારમાં બપોર બાદ કરાં સાથે વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુર તાલુકાના પટેલકા, દેવરીયા સહિત ગામોમાં પણ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. 

રાજકોટમાં મોડી સાંજે અમદાવાદ રોડ પર નવાગામ,આણંદપર વિસ્તારમાં  વરસાદી છાંટા વરસ્યા હતા તો જિલ્લાના વિંછીયામાં મોડી સાંજે સવા સાત વાગ્યાના અરસામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી જતા વિજળી ગૂલ થતા અંધારુ છવાઈ ગયું હતું.  અમરેલી જિલ્લામાં તો એક પખવાડિયાથી માવઠાંની મુસીબત વરસી રહી છે અને આજે પણ લાઠી તથા ધારી પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ વચ્ચે ખેતીને ભારે નુક્શાન થયું છે. લાઠી તથા મતિરાળા,દુધાળા, ટોડા જરખીયા સહિત ગામોમાં તથા ગીર કાંઠામાં, ગોવિંદપુર,સુખપુર,સરસીયા સહિત વિસ્તારમાં કરાં સાથે અને તીવ્ર પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર આજે સાંજ સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છના ભૂજમાં સાંજના સમયે  ધોધમાર 2  ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત રાપરમાં પણ ૩ મિ.મિ.વરસાદ નોંધાયો છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, દસાડા, લખતર સહિત વિસ્તારોમાં અર્ધો ઈંચ સુધી માવઠાં વરસ્યા હતા જ્યારે ભાવનગરમાં ગઈકાલે સાંજે પોણો ઈંચ બાદ આજે શિહોરમાં ઝાપટાં વરસ્યા હતા. ઉપરાંત રાજ્યમાં મહેસાણા, સુરત, ડાંગ, બનાસકાંઠા, નવસારી, દાહોદ સહિત જિલ્લામાં તથા વડોદરામાં વરસાદના અહેવાલ છે. 

Tags :