હાશ..કોરોનાની રફતારને બ્રેક લાગી, રાજ્યમાં 16617 કેસ રાજકોટમાં 410 કેસ - 368 દર્દીઓ ડિસ્ચાર્જ, જામનગરમાં 180, મોરબી 102, જૂનાગઢ જિ.માં 117, દેવભૂમી દ્રારકા 63, ગીર સોમનાથ 33 કોરોનાગ્રસ્ત
રાજકોટ, : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના કેસમાં અપ ટ્રેન્ડ જોવા મળ્યા બાદ આજે રફતારને બ્રેક લાગતા લોકોએ થોડો રાહતનો દમ લીધો છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં કેસમાં આશરે 50 ટકાનો ઘટાડો થયો છે. ગઈકાલે 4256 રેકર્ડ બ્રેક કેસ નોંધાયા બાદ આજે ઘટીને 1841 કેસ જાહેર થયા હતા. જો કે જામનગર અને ગોંડલમાં મળીને બે દર્દીનાં સારવાર દરમિયાન મોત થયા છે.
રાજકોટ શહેરમાં ગઈકાલે 1700 જેટલા કેસ નોંધાયા બાદ આજે ઘટીને 410 થયા હતા. રાજકોટમાં આજે 378 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી આમ છતાં હાલ 8132 દર્દીઓ સારવાર લઈ રહયા છે. રાજકોટ ગ્રામ્યમાં પણ આજે કેસ ઘટયા છે જિલ્લામાં આજે 211 કેસ નોંધાયા હતા તેમાં સૌથી વધુ 56, ગોંડલ 35, ઉપલેટા 35, જેતપુર 30, રાજકોટ તાલુકો 14, લોધિકા 9, જસદણ 8, અને જામકંડોરણા 5 કેસ નોંધાયા હતા. રાજકોટ ગ્રામ્યમાં 1284 એકટીવ કેસ છે તેમાંથી માત્ર ૩૩ દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જેતપુરનાં એક વૃધ્ધ મહિલાનું મોત નીપજયુ હતુ.
જામનગરમાં પણ આજે કોરોનાને લઈને રાહત અનુભવાઈ હતી. જામનગરમાં શહેરમાં 138 કેસ નોંધાયા હતા જયારે 42 કેસ ગ્રામ્યમાં બહાર આવ્યા હતા. સતત વધી રહેલા કેસમાં ડાઉન ફોલ થતા લોકો અને આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો હતો. જામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે વધુ એક દર્દીએ દમ તોડયો હતો હાલ 64 દર્દીઓ સારવાર લઈ રહયા છે તેમાંથી ચાર દર્દીની હાલત ગંભીર છે. શહેરમાં 203 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કાલાવડમાં 13, ધ્રોલમાં 2 અને જામજોધપુરમાં 15 કેસ બહાર આવ્યા હતા.
જૂનાગઢ શહેરમાં 80 અને ગ્રામ્યમાં 37 મળીને કુલ 117 કેસ નોંધાયા હતા. વિસાવદરમાં 13, માણાવદરમાં 12, જૂનાગઢ ગ્રામ્યમાં 6, કેશોદમાં 3 કેસ બહાર આવ્યા હતા.અમરેલીમાં આજે 175 કેસ આવતા લોકોમાં હજુ ફફડાટ જોવા મળી રહયો છે. સુરેન્દ્રનગરમાં 72, દેવભૂમી દ્રારકા 63, ગીર સોમનાથ 38, પોરબંદર 33 અને બોટાદમાં 12 કેસ સાથે સૌરાષ્ટ્રમાં આજે 1841 કેસ આરોગ્ય વિભાગનાં ચોપડે નોંધાયા હતા. એક દિવસમાં સૌરાષ્ટ્રમાં 50 ટકા અને રાજકોટમાં 70 ટકા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે આજે રવિવારે ઓછા લોકો ટેસ્ટ કરવા ગયા હોવાથી ઓછા કેસ જાહેર થયા હોય તેવી ધારણા છે. જો કે તબીબો માને છે કે પીક પર કોરોના પહોંચી ગયા બાદ હવે ધીરે ધીેર ડાઉન ફોલ શરુ થશે.
---


