Gujarat

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા

By GS TEAM
26 Mar 20262 mins read
જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા


- સિહોર નગરપાલિકા ની બજેટ સભા તોફાની બની રહી

- સિહોર ન.પા.નું બજેટ આંકડાકીય માયાજાળ, વિપક્ષનો જોરદાર વિરોધ : ભ્રષ્ટાચારના આક્ષેપો, વિવિધ નબળાઈઓ ઉજાગર કરી તડાપીટ બોલાવી, બહુમતીના જોરે પુરાંતલક્ષી બજેટ મંજૂર


સિહોર : સિહોર નગરપાલિકાની મળેલી બજેટ બેઠકમાં વિપક્ષે તડાપીટ બોલાવી બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી હતી. વિપક્ષના સભ્યોએ ભ્રષ્ટાચારના આક્ષેપો, વિવિધ નબળાઈઓ ઉજાગર કરી હતી. વિપક્ષના આકરા પ્રહાર સામે સત્તાધિશો લાચાર જણાયા હતા.

સિહોર પાલિકાનું રૂા.૮૫,૧૩,૩૦,૩૪૩ની આવક સામે ૭૪,૩૨,૫૨,૦૦૦ની જાવક સાથેનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરાયું હતું. બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષ-અપક્ષના સભ્યોએ વિવિધ ખામીઓ દર્શાવી હતી. વિપક્ષના નેતાએ પુરાવા સાથે બજેટના આંકડાઓમાં વિસંગતતાઓ રજૂ કરી બજેટની સત્યતા સામે પ્રશ્નો ઉભા કર્યો હતો. દેખાડા માટે બજેટમાં ખોટા આંકડા રજૂ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. અપક્ષના સભ્યોએ ન.પા. દ્વારા કરવામાં આવતા ખર્ચ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ વિસ્તારમાં ગટર, પાણી, સ્વચ્છતા જેવી મૂળભુત સમસ્યાઓનો નિકાલ ન થતો હોવાની વ્યથા ઠાલવી હતી. ઉથરેટીના લેગસી વેસ્ટના કામમાં  દોઢ કરોડ, એસબીએમ વનની ગ્રાન્ટના એક કરોડના ભ્રષ્ચારના આક્ષેપ મુદ્દે પ્રમુખ સાથે વિપક્ષના નેતાને તીવ્ર ચર્ચા થતાં ગરમાગરમી થઈ હતી. સભ્યોના આકરા સવાલો સામે જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાય ગયા હતા. આજની બજેટ બેઠકમાં ભાજપે બહુમતીના જોરે બજેટ મંજૂર કરાવ્યું હતું.

વિકાસની કોઈ વાત નહી, ઓફિસમાં બેઠી આંકડા મૂકી દીધા

ન.પા.નું બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળવાળું છે. સિહોરના વિકાસની કોઈ વાત નથી, માત્ર ઓફિસમાં બેસીને ખોટા આંકડા મૂકી દેવાયા છે. ગત વર્ષના બજેટની અંદાજીત રૂા.૧૬.૮૯,૭૧,૦૦૦ની આવક સામે વાસ્તવિક આવક માત્ર રૂા.૯,૪,૬,૦૦૦ની જ છે. અંદાજીત ખર્ચ ૧૬,૪૦,૭૬,૦૦૦ સામે વાસ્તવિક ખર્ચ રૂા.૧૯,૯૬,૧૨,૦૦૦ જેટલો થયો છે. આમ, ગત વર્ષમાં આવકમાં નોંધપાત્ર ઘટાડો અને ખર્ચમાં વધારો થયો છે. આશરે ૧૧.૪૧ કરોડની રકમનો તફાવત છે. તો પછી ન.પા. પુરાંતલક્ષી બજેટ કઈ રીતે દર્શાવી શકે છે ? તેવો સવાલ વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ કર્યો હતો.