મોરબીના રવાપર ગામે મહિલાઓ થાળી વગાડતી રોડ પર ઉતરી, ચક્કાજામ કર્યો

બિસમાર રસ્તા, પાણીનો ભરાવો સહિતના પ્રશ્ને
મહાપાલિકાએ જેસીબીથી કામ શરૂ કરાવતા મામલો થાળે પડયો, પ્રજાના પ્રશ્નો ઉકેલવા ધારાસભ્ય-અધિકારીઓ બે કલાક લાંબી બેઠક ચાલી, તાત્કાલિક પ્રશ્નો ઉકેલવા ખાતરી
મોરબીના રવાપર ગામે રામ સેતુ સોસાયટી અને ઉમિયાનગરમાં બિસમાર રોડ, પાણીનો ભરાવો સહિતના પ્રશ્ને મહિલાઓ થાળી લઈને રોડ પર ઉતરી આવી હતી. અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. તંત્રની કામગીરીની ખાતરી છતાં નાગરિકો માનવા તૈયાર નથી આજે રવાપર ગામે મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કરી ધારાસભ્ય નહિ આવે ત્યાં સુધી આંદોલન નહિ સમેટાય તેવો હુંકાર કર્યો હતા. મહાનગરપાલિકા તંત્ર તુરંત પહોંચી કામગીરી શરુ કરતા હાલ મામલો થાળે પડયો છે. જોકે એક બાદ એક આંદોલન ચાલી રહ્યા છે. નેતાઓ રાજકીય વર્ચસ્વની લડાઈમાં વ્યસ્ત જોવા મળે છે. અને પ્રજાની પીડા સાથે કોઈ લેવાદેવા નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જો કે મનપાએ બે જેસીબી વડે રોડના ખાડા અને ગટર માટે કામ શરૂ કરાતા આંદોલન સમેટાયું હતું.
બીજી તરફ મોરબીમાં આંદોલનનો સિલસિલો ચાલ્યા બાદ નિંદ્રાધીન તંત્ર અને નેતાઓ સફાળા જાગ્યા હતા અને કલેકટર કચેરીએ બેઠક યોજીને બે કલાક ચર્ચા કરી હતી. જેમાં રાજ્યસભા સાંસદ, ધારાસભ્ય, કલેકટર, મ્યુનિ. કમિશ્નર વગેરેએ નિર્ણય લઈને રસ્તા પરના ખાડા ૧૦-૧૨ દિવસમાં બુરવા, ગટર સફાઈ, બંધ લાઈટ ચાલુ કરવા સહિતના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે આયોજન કર્યું હતું. આ સાથે વોર્ડ વાઈઝ અધિકારીઓ સાથે મીટીંગ કરશે અને ધારાસભ્ય દર ૧૫ દિવસે કોર્પોરેશન ખાતે બેસશે. ૧૦ દિવસમાં શહેરમાં એક પણ ખાડો જોવા ના મળે, લાઈટ બંધ ના હોય અને ગટર સફાઈ સહિતના પ્રશ્નો ઉકેલાય જાય તેવા તમામ પ્રયત્નો કરવાની બાયંધરી આપવામાં આવી હતી.








