Get The App

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી!

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! 1 - image

ભાગ વાવવા આપેલી જમીનનો હિસાબ માંગતા ઉશ્કેરાઈ ગયા : હવે જમીન કે હિસાબ બાબતે વાત કરીશ તો પતાવી દેવા ધમકી દીધી : પિતાની પુત્ર-પુત્રવધૂ સામે ફરિયાદ

જૂનાગઢ, : કેશોદ તાલુકાના રાણીગપરામાં રહેતા એક વૃધ્ધે પોતાના પુત્રને ભાગમાં વાવવા આપેલી જમીનનો હિસાબ માંગતા ઉશ્કેરાઈ ગયેલા પુત્રએ પિતાને પકડી રાખ્યા હતા અને પુત્રવધુએ લાકડી વડે માર માર્યો હતો. આ અંગે વૃધ્ધે પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાણીગપરા ગામમાં રહેતા જીલુભાઈ લખમણભાઈ બારૈયા (ઉ.વ. 65) પાસે 20 વિઘા જમીન છે, જે તેણે તેનાથી અલગ રહેતા પુત્ર રાકેશને ત્રીજા ભાગે વાવેતર કરવા આપી છે. ગત તા. 16ના સવારે આઠેક વાગ્યે જીલુભાઈ વાડીએ ખાટલામાં સુતા હતા ત્યારે તેનો પુત્ર રાકેશ અને પુત્રવધુ શિલ્પાબેન વાડીએ આવ્યા હતા અને ખાટલામાં પાટુ મારી જીલુભાઈને ઉઠાડયા હતા. આથી જીલુભાએ ત્રીજા ભાગે વાવવા આપેલી જમીનનો હિસાબ આપવા કહેતા પુત્ર રાકેશ અને પુત્રવધુ શિલ્પાબેને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી. બાદમાં રાકેશે પિતાને પકડી રાખ્યા હતા અને પુત્રવધુ શિલ્પાબેને લાકડી વડે માર માર્યો હતો. જીલુભાઈએ બુમાબુમ કરતા તેના મોટાભાઈ અને તેનો પુત્ર ત્યાં આવ્યા હતા અને મારમાંથી બચાવ્યા હતા. આ સમયે પુત્ર અને પુત્રવધુએ 'હવે જમીન કે હિસાબની વાત કરીશ તો ડોહા તને પતાવી દઇશું' એવી ધમકી પણ આપી હતી. આ અંગે પુત્રી અને જમાઈને જાણ કરતા તેઓ આવ્યા હતા અને જીલુભાઈને કેશોદ સારવારમાં ખસેડયા હતા. જે તે વખતે પોલીસ ફરિયાદ કરવી ન હતી પરંતુ આજે જીલુભાઈએ પોતાના પુત્ર રાકેશ જીલુ બારૈયા અને પુત્રવધુ શિલ્પાબેન રાકેશ બારૈયા સામે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.