રૂ।. 455 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 328 કરોડની આવક : ગત વર્ષે આજ સુધીમાં 338.35 કરોડ સામે આ વર્ષે 328.71 કરોડ વેરા આવક : રૂ।. 10 કરોડનું ગાબડું : કાર્યક્રમો- SIRમાં વ્યસ્ત અને મસ્ત મનપાને હવે આવકની ચિંતા : જો કે મોટામાથાને બદલે હજુ નાની મિલ્કતો પર જ કાર્યવાહી
રાજકોટ, : રાજકોટમાં સાડા પાંચ લાખ મિલ્કતધારકો પાસે મનપા વેરાના આમ તો કૂલ રૂ।. 1200 કરોડથી વધુ રકમ ચોપડે બાકી બોલે છે ત્યારે ચાલુ વર્ષ 2025-26માં રૂ।. 455 કરોડની આવકના લક્ષ્યાંક સામે આજ સુધી માત્ર રૂ।. 328 કરોડની આવક થતા તંત્ર હવે જાગ્યું છે. આજે એક દિવસમાં 378 મિલ્કતો સીલ કરીને કૂલ 485 મિલ્કતો પાસેથી રૂ।. 4.92 કરોડની વસુલાત કરાઈ હતી.
મનપા સૂત્રો અનુસાર ગત વર્ષે તા. 15 જાન્યુઆરી 2025 સુધીમાં 338.35 કરોડની વસુલાત થઈ હતી, આ વર્ષે નવી 11,532 મિલ્કતોની આકારણી કરીને તેમજ 4306 મિલ્કતોનીઆજ સુધીમાં પુનઃઆકારણી સાથે માંગણુ વધ્યું હોય તે સ્વાભાવિક છે. આમ છતાં આજ સુધીની ટેક્ષ આવક રૂ।. 328.71 કરોડે પહોંચી છે જે ગત વર્ષ કરતા 10 કરોડ ઓછી છે.
ટેક્સ વસુલાતમાં ઘટાડા અંગે મનપા સૂત્રોએ બે મહિના સુધી એસ.આઈ.આર.ની કામગીરીમાં સ્ટાફ મુકાયાનું કારણ અપાય છે પરંતુ, વાસ્તવમાં મનપાના અન્ય સ્ટાફને પણ વસુલાતમાં જોડવાને બદલે વર્ષના એર શો, સ્વદેશી રન અને છેલ્લે વાઈબ્રન્ટ સમિટ જેવા અનેક કાર્યક્રમોમાં એક જ વિભાગને બદલે તમામ વિભાગના કર્મચારીઓને જોડવામાં આવ્યા હતા.
હવે, ટેક્સ વસુલવા મનપાએ મિલ્કત સીલીંગ, નળજોડાણ કપાત સહિતની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ, આ કામગીરી મોટાભાગને હજારો રૂ।.ની બાકી રકમ હોય તેવા નાના મિલ્કતધારકો સામે છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિ.જેવી સરકારી સંસ્થાઓ કે જેની પાસે કરોડો રૂા. નું લેણું બાકી છે ત્યાં હજુ મનપા કડક થઈ નથી.


