રાજકોટમાં ખુદ પોલીસ કમિશનરને ટ્રાફિક સમસ્યાનો થયો અનુભવ
- હોસ્પિટલ ચોકમાં બનતા ઓવરબ્રિજને કારણે ત્રાસરૂપ ટ્રાફિક સમસ્યા
- ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ
રોજની સમસ્યા છતાં પૂરતો બંદોબસ્ત ગોઠવાતો નથી
રાજકોટ, : સિવિલ હોસ્પિટલ ચોકમાં છેલ્લા ઘણા સમયથી બનતા ઓવરબ્રીજને કારણે આસપાસનાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા માથાના દુઃખાવારૂપ બની ગઈ છે. આસપાસનાં તમામ વિસ્તારોમાંથી પસાર થતા વાહન ચાલકો દરરોજ ટ્રાફીક જામમાં ઘણા સમય સુધી ફસાઈ જાય છે. જેનો અનુભવ આજે ખુદ પોલીસ કમિશ્નરને થયો હતો. તેમની કાર પણ કોર્ટના ગેઈટ પાસે ટ્રાફીક જામમાં ફસાઈ ગઈ હતી.
સિવિલ હોસ્પિટલ ચોકમાં બનતા ઓવરબ્રીજને કારણે પારેવડી ચોકથી લઈ મોચી બજાર કોર્ટ , જયુબેલી, સિવિલ હોસ્પિટલ ચોક સહિતનાં વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યા માથાના દુઃખાવારૂપ બની ગઈ છે. દરરોજ વાહન ચાલકો ટ્રાફીક જામમાં ફસાઈ જતા હોવાથી ત્રાહીમામ પોકારી ગયા છે.
આમ છતાં આ વિસ્તારોમાં ટ્રાફીક જામ ન સર્જાય તે માંટે પોલીસ કાઈ કરતી નથી. એટલું જ નહીં પૂરતી સંખ્યામાં ટ્રાફીક બ્રાન્ચનાં માણસો પણ મુકાતા નથી. તેના બદલે એકલ દોકલ ટ્રાફીક વોર્ડનને ટ્રાફીક ક્લીયર કરાવતા નજરે પડે છે. પરંતુ તેમનાંથી કાંઈ થતુ નથી. જેને કારણે વાહન ચાલકોનો ઘણો સમય આકરા તડકો સહન કરવામાં વેડફાઈ જાય છે.
આ સ્થિતિ વચ્ચે આજે સંભવતઃ સામાકાંઠે જવા માંટે નિકળેલા પોલીસ કમિશ્નરની સરકારી કાર મોચી બજાર કોર્ટનાં ગેઈટ પાસે ઘણાં સમય સુધી ટ્રાફીક જામમાં ફસાઈ ગઈ હતી. જાણ થતાં પ્ર.નગર પોલીસની પાઈલોટીંગ વાહને આવી ટ્રાફીક ક્લિયર કરાવ્યો હતો. આમ છતાં પોલીસ કમિશનરની કારને ઘણાં સમય સુધી ટ્રાફીક ક્લિયર થાય તેની રાહ જોવી પડી હતી.
એટલું જ નહીં બે ૧૦૮ એમ્બ્યુલન્સો પણ ફસાઈ ગઈ હતી. પારેવડી ચોકથી વનમેમાં આવતી ત્રીજી ૧૦૮ પણ ટ્રાફીક જામમાં ફસાઈ ગઈ હતી. જો કે, જાણકારોનાં કહેવા મુજબ આ એરીયામાં એમ્બ્યુલન્સો ફસાઈ જતા હોવાનાં કિસ્સા સાવ સામાન્ય બની ગયા છે. આમ છતાં પોલીસનાં પેટનું પાણી હલતું નથી. આજે જયારે ખુદ પોલીસ કમિશ્નરને ટ્રાફીક સમસ્યાનો કડવો અનુભવ થયો છે ત્યારે હવે પોલીસ જાગી ટ્રાફીક નિયમન બરાબર જળવાય તે માંટે પુરતો બંદોબસ્ત ગોઠવે અને બીજા જરૂરી પગલા લે તેવી માંગ ઉઠી છે.