રાજકોટમાં ઈન્કમટેક્સના ચાર અધિકારીઓ પીધેલા પકડાયા
- રેસકોર્સ પાર્કમાં આવેલા ફલેટમાં દરોડો
- 'વહીવટ' કરીને પીધેલાઓના કેસ કરવાનું ટાળતી પોલીસે કંટ્રોલ રૂમને બાતમી મળી હોવાથી નાછૂટકે કેસ કરવો પડયો
રાજકોટ, તા. 19 નવેમ્બર, 2020, ગુરૂવાર
શહેરના રેસકોર્સ પાર્કમાં બ્લોક નં.૨૭ના પહેલા માળે આવેલા ફલેટ નં.૧૦૩માં ગત મંગળવારે રાત્રે પ્ર.નગર પોલીસે દરોડો પાડી નશાખોર હાલતમાં ઈન્કમટેક્સ વિભાગના ચાર અધિકારીઓને ઝડપી લેતાં ચર્ચા જાગી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે નશાખોર હાલતમાં મળેલા સુધીરકુમાર રામકુમાર યાદવ (ઉ.વ.૨૮, રહે. રેસકોર્સ પાર્ક, શેરી નં.૨) મૂળ હરિયાણાના વતની છે અને ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. બીજા આરોપી આશિષ રાજસીંગ રાણા (ઉ.વ.૩૦, રહે. કેન્દ્રાંચલ ભવન, ટાઈપ-૧, ફલેટ-૨૯) ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, મૂળ હરિયાણાના વતની છે.
ત્રીજા આરોપી રવીન્દ્ર સજ્જનસીંગ સિન્ધુ (રહે. આયકર ગૃહ વાટીકા, બ્લોક-૪૪) પણ મૂળ હરિયાણાના વતની છે અને ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે દેવેન્દ્રકુમાર ભાનુપ્રતાપસીંગ (રહે. રેસકોર્સ પાર્ક, શેરી નં.૨) મૂળ યુપીના વતની છે અને સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવે છે.
મોટાભાગે પોલીસ પીધેલાઓના કેસ કરવાને બદલે વહીવટ અને તોડજોડ કરી લે છે, એમાં પણ સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ સામે પોલીસ પીધેલાઓના કેસ કરવાનું ટાળતી હોય છે, પરંતુ આ કિસ્સામાં સીધી કંટ્રોલ રૂમને માહિતી મળી હોવાથી જો સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તો તેના તપેલા ચડી જાય તેમ હોવાથી નાછૂટકે પોલીસે પીધેલાઓનો કેસ કરવો પડયો હતો. આરોપીઓએ કઈ જગ્યાએ દારૂની મહેફીલ માણી તે અંગે પોલીસે અજાણ હોવાનો કક્કો ઘૂંટયો હતો.