નડિયાદમાં વીજ વિભાગે વર્ષથી ખોદેલા ખાડા બૂરવાની તસ્દી લેવાતી નથી
- વનમાળી નગરમાં ખાડા સાથે નવા- જૂના બે વીજ પોલ
- ફતેપુરા રોડ પર અકસ્માત સર્જે તેવા નમી ગયેલા થાંભલાના સમારકામ માટે અરજીની રાહ જોતું વીજ તંત્ર
નડિયાદ શહેરમાં વીજ વિભાગ મુખ્યત્વે બે ભાગમાં કામ કરી રહ્યું છે. જેમાં પશ્ચિમ પેટા વિભાગ અંતર્ગત આવતા જીઆઈડીસી વિસ્તારમાં વનમાળી નગર તરીકે જાણીતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક મકાનો આવેલા છે.
જ્યાં છેલ્લા એકાદ વર્ષ પહેલા વીજ વિભાગની ટીમ દ્વારા અંડરગ્રાઉન્ડ કોઈ કામગીરી કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડો ખોદવાને ૧ વર્ષ જેટલો સમય વીતિ ગયો છે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવા કે ખાડો પૂરવાની તસ્દી વીજ વિભાગે લીધી નથી. આ વિસ્તારમાં નવા વીજ પોલ નાખવામાં આવ્યા છે પરંતુ વીજ તંત્રએ જૂના વીજ પોલ હટાવવાની તસ્દી નહીં લેતા તમામ સ્થળે બે વીજ પોલ છે. કેટલાક જૂના વીજ પોલ નમી જવાના લીધે અકસ્માતનો પણ ભય હોવા છતા પશ્ચિમ વીજ પેટા વિભાગ બેદરકારી દાખવી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.
પૂર્વ પેટા વિભાગમાં ફતેપુરા રોડ આવે છે, જ્યાં ૬ મહિના અગાઉ કમોસમી વરસાદ અને વાવાઝોડા વખતે કેટલાક વીજ પોલ નમી ગયા હતા. તે વખતે શહેરમાં અનેક વીજ પોલનું સમારકામ કરી ઉભા કરાયા હતા, પરંતુ આ વરસાદી કાંસ પરના વીજ પોલના સમારકામ માટે વીજ વિભાગે રસ દાખવ્યો નહોતો. ત્યારે મોટી હોનારત સર્જે તેવા વીજપોલના સમારકામ માટે વીજ વિભાગના જવાબદાર અધિકારીઓ અરજી મળે તે બાદ કામગીરી કરવામાં આવશે, તેમ જણાવી રહ્યા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
તે વિસ્તારમાંથી કોઈ અરજી મળે તો કામગીરી કરાશે : ડે. ઈજનેર, પૂર્વ વિભાગ
આ સમગ્ર મામલે પશ્ચિમ વિભાગના ડે. ઈજનેર ભાવેશભાઈ પારેખે જણાવ્યું હતું કે, વનમાળી નગરનો પ્રશ્ન ધ્યાને આવ્યો છે, તાકીદે તેનું સમારકામ કરવાના પ્રયાસ કરીશું. જ્યારે પૂર્વ વિભાગના ડે. ઈજનેર મીતાબેન ભોઈએ જણાવ્યું હતું કે, તે વિસ્તારમાંથી કોઈ અરજી મળે તો તુરંત કામગીરી કરવામાં આવશે.