Get The App

મોટી પાનેલીમાં મહિલા સરપંચે જ ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
મોટી પાનેલીમાં મહિલા સરપંચે જ ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું 1 - image

ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયાનાં વતનમાં નવો વિવાદ

ગ્રામ પંચાયતની મંજૂરી, ઠરાવ, વર્ક ઓર્ડર વગર અચાનક કામગીરી ચાલુ થયાના આક્ષેપ સાથે ટીડીઓને પત્ર લખ્યો

ઉપલેટા: ઉપલેટા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયાના વતન એવા મોટી પાનેલી ગામે વધુ એક વિવાદ સર્જાયો છે. હવે અહીં અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતાં મહિલા સરપંચ અને સદસ્યોએ દોડી જઈને કામગીરી અટકાવી હતી અને ગ્રામ પંચાયતમાં આવા કામની કોઈ મંજૂરી, ઠરાવ તેમજ વર્ક ઓર્ડરની પ્રક્રિયા નહીં થઈ હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ સાથે મહિલા સરપંચે તેમની ખોટી સહીઓ કરીને કામો થઈ રહ્યાનો આક્ષેપ કરીને ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને પણ આ પ્રકારે ખોટા કામો અટકાવવા લેખિત ફરિયાદ કરતા ચકચાર જાગી છે.

મોટી પાનેલી ગામે મોહન બાપાના પૂતળાવાળા ચોકથી લઈને રેલવેના પાટા સુધી રોડનું કામ ચાલી રહ્યું છે. જેમાં રોડના કામની વચ્ચે અચાનક ખોદકામ કરીને ભૂગર્ભ ગટર માટેના ભૂંગળા ફીટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ સરપંચ શારદાબેન જાદવ સહિતના ગ્રામ પંચાયત સભ્યોને જાણ કરી હતી. જો કે, સરપંચને આ કામની ખબર નહોતી અને ભૂગર્ભ ગટરના કામને લઈને કોઈપણ પ્રકારનો ઠરાવ થયો ન હોવા સાથે ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી પણ આપી નહીં હોવાથી ઉહાપોહ મચી ગયો હતો. પરિણામે સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો દોડી ગયા હતા અને તાત્કાલિક બંધ કરાવી દીધું હતું. બાદમાં ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીને આ મામલે ફરિયાદ કરી હતી.

ઉપલેટા તાલુકાનું મોટી પાનેલી ગામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તે ઉપલેટા-ધોરાજી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયાનું મૂળ વતન છે. અહીં અગાઉ પણ ગ્રામ પંચાયતમાં અનેક પ્રકારની ગતિવિધિઓ તેમજ ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાની ગ્રાન્ટનાં વિવાદને લઈને મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. અગાઉ અહીં ધારાસભ્ય ખોટી રીતે દખલગીરી કરી રહ્યાનાં આક્ષેપો પણ થયા હતા. થોડા સમય પહેલા કમોસમી વરસાદની નુકસાની બાબતે ધારાસભ્યને રસ્તા પર રોકી ખેડૂતોએ રોષ પણ ઠાલવ્યો હતો. હવે વધુ એક વિવાદે રાજકીય ગરમાવો લાવી દીધો છે.

- 'મારી ખોટી સહીઓ કરીને કામ મંજૂર કરે છે : સરપંચ

મોટી પાનેલી ગામના સરપંચ શારદાબેન જાદવે ટીડીઓને લખેલા પત્રમાં આક્રોશ ઠાલવ્યો છે કે, 'અમારા ગામમાં જે કામો કરવાના હોય છે તેના ઠરાવમાં મારી ખોટી સહીઓ કરીને બારોબાર મંજુર કરી દેવામાં આવે છે. વર્કઓર્ડરથી લઈને કામ પૂર્ણ થાય તેમાં પણ મારી ખોટી સહીઓ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જેથી હવે તાલુકા પંચાયત કક્ષાએ મને પુછ્યા વગર કોઈ કામ મંજુર કરવું નહીં. કોઈ બિલ પાસ કરવું નહીં. અત્યારે પણ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, તેને રદ કરીને તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે પગલા ભરવા માંગણી છે.'

- ટૂંક સમયમાં તપાસ કરીને કાર્યવાહી કરાશે : ટીડીઓ

ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી આર.એમ. ત્રિવેદીએ જણાવ્યું કે, 'મોટી પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ તરફથી લેખિત રજૂઆત મળી છે, જે બાબતે અમારા તરફથી જે કોઈ તપાસ, કાર્યવાહી અને પગલાં લેવાના થશે તે ટૂંક સમયમાં કરવામાં આવશે.