Get The App

મોરબીમાં ખેતમજૂરીના બહાને ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 53 લાખ પડાવાયા

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
મોરબીમાં ખેતમજૂરીના બહાને ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 53 લાખ પડાવાયા 1 - image

ગોંડલની મહિલા સહિત 8 શખ્સોની ગેંગનું કારસ્તાન : વાડીએ આવેલી મહિલા નિર્વસ્ત્ર થઈને અશ્લિલ ચેનચાળા કરવા લાગી : ત્યાં 2 કારમાં ધસી આવેલા ઇસમોએ ફોટો-વીડિયો પાડીને બ્લેકમેઈલિંગ કર્યું !

મોરબી, : મોરબીમાં આધેડ ખેડૂત પાસે ખેતમજુરીના બહાને સંપર્કમાં આવેલી મહિલાએ નિર્વસ્ત્ર થઈ, અન્ય ઇસમોએ ફોટો અને વીડિયો બનાવી અપહરણ કરી વાડીએ ગોંધી રાખ્યા બાદ છેડતી-બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરીને રૂ. 50 લાખની કિંમતના સોનાના 4 બિસ્કીટ, રૂ. 1 લાખ રોકડા અને રૂ. 2.50 લાખનો સોનાનો ચેન મળીને કુલ રૂ. 53.50 લાખ પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. 

મોરબીમાં અવની ચોકડીએ રહેતા ભરતભાઈ અમરશીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 59)એ આરોપીઓ ખુશીબેન પટેલ (રહે. ગોંડલ), મુકેશ આલ, રામાભાઈ હાડગડા, જીલા ભરવાડ, મનીષ ગારીયા (રહે. ચારેય બોટાદ, હાલ મોરબી), પાંચાભાઈ કોળી (રહે. તીથવા, તા. વાંકાનેર), કરણભાઈ ઉર્ફે કે.કે. વરૂ(રહે. વાંકાનેર) અને દેવાંગ વેલાણી (રહે. બોટાદ) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી ભરતભાઈને રવાપર રોડ પર વૈદેહી ફાર્મ સામે ખેતીની જમીન છે, જ્યાં મજુરો જતા રહ્યા હતા અને પાંચાભાઈ કોળીને તેઓ ઓળખતા હોવાથી મજુરો માટે વાત કરતા ખુશીબેન પટેલ (રહે.ગોંડલ) નામની મહિલાને એક પુરૂષ અને બાળક સાથે વાડીએ મોકલ્યા હતા, પણ તેમની પાસે ઓળખના પુરાવા નહીં હોવાથી કામે રાખવાની ના પાડી હતી. 

બાદમાં તા. 9- 10 ડિસેમ્બરના રોજ ખુશીબેનનો ફોન આવ્યો અને કામે રાખવાનું કહીને કરગરવા લાગ્યા હતા અને તા. 11ના રોજ એકલા વાડીએ આવ્યા હતા. જ્યાં વાતચીત સમયે ખુશીબેને એકાએક પોતાના કપડા કાઢીને અશ્લીલ ચેનચાળા કરવા લાગ્યા હતા. એ દરમિયાન બે ગાડીમાં સાત શખ્સો આવી પહોંચ્યા હતા અને ફોટા-વીડિયો પાડી લઈને ધમકાવવા લાગ્યા કે 'અમારા સમાજની દીકરી છે, તમે ખોટું કામ કરવા માટે લાવ્યા છો..' કહી બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેથી આબરૂ જવાની બીકે સમાધાન કરી લેવા જણાવતા રૂ. 1 કરોડ અગિયાર લાખ માંગ્યા હતા અને 5 દિવસ સુધી વારંવાર આવીને ધમકાવી રોકડ-દાગીના સહિત રૂ. 53.50 લાખ પડાવી લીધા હતા. જે મામલે મોરબી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.