અમદાવાદ, શનિવાર
સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન વોક-વે પરથી માતાએ માનસિક બિમાર પુત્ર સાથે નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક માનસિક બિમાર હતો અને અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નાંેધીને તપાસ હાથ ધરી છે.
માતાએ માનસિક બિમાર પુત્ર સાથે ઝંપલાવ્યાની વિગતો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની તપાસમાં ખુલી
બાપુનગરમાં અંબર સિનેમા પાસે રહેતા વૃદ્ધા એ પોતાના માનસિક બિમાર પુત્ર સાથે આજે બપોરના સમયે વલ્લભ સદન પાસે રિવરફ્રન્ટ વોક-વે પરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો.
માતા અને પુત્રના મૃતદેહ નદીમાં તરતા જોઇને સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા ફાયરની ટીમે બન્નેના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને મૃતક પાસેથી આધારકાર્ડ સહિતના પુરાવા મળતા પરિવારને જાણ કરી હતી. પોલીસ પુછપરછમાં મૃતક યુવક માનસિક બિમાર હતો. જો કે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા મળ્યું નથી.


